india alliance : ઇન્ડિયા ગઠબંધન પીએમ મોદી અને ભાજપને હરાવવા બનાવવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સૌથી પહેલાં એકતાની આ કવાયત કરી હતી. વારંવાર દિલ્હીની મુલાકાત લીધી હતી અને પછી જુદી જુદી વિચારધારા ધરાવતા ઘણા પક્ષો ભેગા થયા હતા. તેમાં મમતાથી લઈને લેફ્ટને સામેલ કરવામાં આવ્યા હતા. અગાઉ એવી માગણી હતી કે કોંગ્રેસ વિના જ ત્રીજો મોરચો રચાવો જોઈએ પરંતુ નીતિશના પ્રયાસોએ કોંગ્રેસને પણ સાથે રાખી હતી અને વિપક્ષી એકતાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદો વધ્યા
પરંતુ હવે જ્યારે લોકસભા ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે આ ઇન્ડિયા ગઠબંધન વિઘટનનો શિકાર બન્યું છે. નીતિશ કુમારે ફરી પલટી મારી લીધી છે અને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. આ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને સૌથી વધુ બલિદાન આપવું પડશે તે વાત તો બધા જ જાણતા હતા. એ પણ સ્પષ્ટ હતું કે તે અગાઉની ચૂંટણી કરતા ઓછી બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મોદી કરતા કોંગ્રેસને નિશાન બનાવવા માટે વધુ કામ કરશે. પરંતુ જે વિચાર્યું ન હતું તેવું જ થઈ રહ્યું છે.
કોંગ્રેસ 300 માંથી 40 બેઠકો પણ જીતી શકશે કે નહીં – મમતા બેનર્જી
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયા ગઠબંધનની અંદર તણાવપૂર્ણ માહોલ ચરમ પર આવી ગયો છે. સૌથી પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. જ્યારથી બંગાળમાં કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી નિષ્ફળ રહી છે ત્યારથી મમતાના પ્રહારો સતત ચાલુ રહ્યા છે. હાલમાં મમતા બેનર્જીએ કહ્યું કે હું નથી માનતી કે કોંગ્રેસ 300 માંથી 40 બેઠકો પણ જીતી શકશે કે નહીં. જ્યાં પહેલા આ પાર્ટી જીતતી હતી હવે ત્યાં પણ હારી રહી છે. હિંમત હોય તો વારાણસીમાં ભાજપને હરાવી જુઓ.
આ પણ વાંચો – પ્રશાંત કિશોરે કહ્યું – રાહુલ ગાંધીને સલાહ કોણ આપી રહ્યું છે તે મને ખબર નથી
કોંગ્રેસ સીટોની વહેંચણીના મામલે ઝૂકવા તૈયાર નથી
હવે હાલમાં ટીએમસી ઇન્ડિયા ગઠબંધનમાં સહયોગી રહેલી છે તો શું તે આવી રીતે પડકાર આપી શકે છે? એવું ભાગ્યે જ જોવા મળે છે કે પોતાના રાજકીય દુશ્મન કરતાં સાથી પક્ષને વધુ નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. પરંતુ અહીં પણ એવું જ થતું હોય તેવું લાગી રહ્યું છે. તેમના અન્ય સાથી પક્ષો પણ ભાજપ કરતા કોંગ્રેસને વધુ નિશાન બનાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રહાર એટલા માટે પણ કરવામાં આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસ સીટોની વહેંચણીના મામલે ઝૂકવા તૈયાર નથી અને અન્ય પાર્ટીઓ તેને વધુ આપવાના મૂડમાં નથી.
સમજવા જેવી વાત એ છે કે સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટો પડકાર સાબિત થવાનો હતો. પાર્ટીઓનું સાથે આવવું એ કોઈ મોટી વાત ન હતી, એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવો બહુ અઘરો ન હોતો, દરેક જણ જાણતું હતું કે બેઠકોની વહેંચણી વખતે પડકારો આવશે.
આ કારણે અનેક વખત બેઠકોની વહેંચણી મુલતવી રાખવામાં આવી હતી, અનેક બેઠકો બાદ પણ કોઇ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ હવે જ્યારે ચર્ચા શરૂ થઇ ત્યારે ઘણા રાજ્યોમાં વિવાદ સામે આવી રહ્યો છે. એક સામાન્ય કડી એ હતી કે બધાએ કોંગ્રેસને વિલન તરીકે રજૂ કરી હતી.





