લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષે ભાજપ અને એનડીએના જીતના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા અને સાંસદ મનોજ કુમાર ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પૂછ્યું કે, તેમના દાવાનો આધાર શું છે. આરજેડી નેતાએ પૂછ્યું કે, શું ઈવીએમ સેટ થઈ ગયા છે. તેમણે કહ્યું, “જો તેઓ કહે છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 સીટો જીતશે અને એનડીએ 400 થી વધુ સીટો જીતશે, શું તેનો મતલબ ઈવીએમ સેટ છે?… જ્યારે નિશ્ચિત સંખ્યા આપવામાં આવે છે તો શંકા ઉભી થાય છે….” પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા દાવો કર્યો હતો કે, પાર્ટીને 370 સીટો મળશે.
આરજેડી નેતાએ કહ્યું, 2014 માં બે કરોડ નોકરીઓનું વચન હતું
લોકસભા ચૂંટણી બાદ જો તમે તમારા વચનો પૂરા ન કર્યા પછી પણ 370 સીટો જીતી લો તો, ક્યાંક ને ક્યાંક ગરબડ છે. 2014 માં તમે 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પર ચૂંટણી જીતી હતી, પરંતુ શું 20 લાખને રોજગાર પણ મળ્યો? એક તરફ તમે કહો છો કે, આટલા કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર છે તો, પછી 80 કરોડ લોકોને અનાજ કેમ આપવું પડે છે?, મનોજ કુમાર ઝાએ જણાવ્યું.
લોકસભા ચૂંટણી 2024 – વિપક્ષ નેતાએ ઈવીએમની કામગીરી પર શંકા વ્યક્ત કરી
તેમણે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2024 માં આ વખતે દેશની સ્થિતિને જોતા એનડીએનો આંકડો 400 ને પાર કરી જશે અને ભાજપ પોતાના દમ પર 370 થી વધુ સીટો જીતશે. પીએમનું આ નિવેદન રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ રીતે ટાર્ગેટ નક્કી કરવાના તેમના દાવા પર અનેક પક્ષોના નેતાઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વિપક્ષનું માનવું છે કે, આ પ્રકારનું લક્ષ્ય નક્કી કરવાથી ચૂંટણીમાં ઈવીએમની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થશે.
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે, જનતા તેમની સરકારને ત્રીજી તક ચોક્કસ આપશે. તેમણે કહ્યું કે, જો ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા વિકાસની ગતિ ન આવી હોત તો, દેશ ઘણો પાછળ રહી ગયો હોત.
આ પણ વાંચો –
પોતાના ભાષણમાં પીએમએ કોંગ્રેસ પાર્ટી પર વારંવાર ટોણો માર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “વડાપ્રધાન કોંગ્રેસનું નામ લીધા વિના સૂઈ શકતા નથી. તે ભાઈ-ભત્રીજાવાદ-પરિવારવાદ પર બોલે છે, કોંગ્રેસના નેતાઓએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. હું મોદીજીને પૂછવા માંગુ છું કે, તમારી પાર્ટીના કયા નેતાઓએ અથવા તમારા રાજકીય પૂર્વજોએ દેશની આઝાદી, એકતા અને અખંડીતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું?