INDIA Alliance : તાજેતરમાં દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા પક્ષોએ માંગ કરી હતી કે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી પર વાતચીત વહેલી તકે શરૂ થવી જોઈએ. હવે કોંગ્રેસના સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે પાર્ટી જાન્યુઆરીના પહેલા સપ્તાહથી સાથી પક્ષો સાથે બેઠક વહેંચણી પર વાતચીત શરૂ કરશે. મહાગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી પણ મોટો મુદ્દો બની રહી છે.
શું છે કોંગ્રેસનો પ્લાન?
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની રણનીતિ છે કે જે રાજ્યમાં જે પાર્ટી વધુ મજબૂત છે તેને વધુ સીટો આપવાની છે. ઉદાહરણ તરીકે જો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી મજબૂત છે તો સમાજવાદી પાર્ટી મહત્તમ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ સન્માનજનક બેઠકોની માંગ કરશે. જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી મુખ્ય ભૂમિકા ભજવશે.
કોંગ્રેસ પાર્ટીનો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે પેંચ ફસાઇ શકે છે. બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહાર કરતા રહે છે અને તમામ સીટો પર ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો – ગણતંત્ર દિવસે કયા રાજ્યના ટેબ્લો જોવા મળશે અને કોનો નહીં? જાણો કોણ કરે છે નક્કી
જ્યારે દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક મળી ત્યારે ટીએમસી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જોકે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે ચૂંટણી પછી નિર્ણય લઈશું. પહેલા આપણી પાસે જોઈએ તેટલી સીટો હશે.
મમતા બેનર્જીનું મોટું નિવેદન
મમતા બેનર્જીએ ગુરુવારે ઉત્તર 24 પરગણામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપનો સામનો કરશે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં આ લડાઈનું નેતૃત્વ કરશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે પાર્ટી હજુ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પર વિચાર કરી રહી નથી.





