OMC Commercial LPG Gas cylinder Price Hike : તહેવારો પૂર્વે જ ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આ મુજબ હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર રવિવાર એટલે કે 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની દિલ્હી છૂટક વેચાણ કિંમત 1 ઓક્ટોબરથી 1731.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હશે.
તહેવારો પૂર્વે ફરી એકવાર રાંધણગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 158નો જંગી ઘટાડો કર્યાના એક મહિના બાદ જ ફરી ભાવ વધારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં 1 ઓક્ટોબરની એલપીજી સિલિન્ડરના ભાવ 209 રૂપિયા વધીને 1731.50 રૂપિયા થયા છે, જે અગાઉ 1,522 રૂપિયા હતા.
નોંધનિય છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અગાઉ ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રી – દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે અને આવતા મહિને દિવાળી પણ આવી રહી છે.
સપ્ટેમ્બરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા
લોકોને રાહત આપતા સરકારે સપ્ટેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આમાં અંદાજે 150 રૂપિયાનો ઘટાડો થયો હતો. એલપીજી, લિક્વિફાઈડ પ્રોપેન અને લિક્વિફાઈડ બ્યુટેનની આયાતને પણ 15 ટકા કૃષિ સેસમાંથી મુક્તિ આપવામાં આવી હતી. સરકારે જુલાઈમાં આ વસ્તુઓની આયાત પર 15 ટકા કૃષિ સેસ લાદ્યો હતો. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે એલપીજી, લિક્વિફાઈડ પ્રોપેન અને લિક્વિફાઈડ બ્યુટેનની આયાતને 1 સપ્ટેમ્બરથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. હાલ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.





