ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે અને અત્યંત ધુમ્મસના કારણે લખનઉ-આગ્રા એક્સપ્રેસવે મોટી સંખ્યામાં વાહન અકસ્માત સર્જાયા હતા. વાહન અકસ્માતની વિવિધ ઘટનાઓમં કુલ 5 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશમાં હવે શિયાળીની ઠંડી કહેર વરતાવી રહી છે. અતિશય ઠંડી અને ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી બહુ જ ઓછી હતી.
વિઝિબિલિટી ઘટી, દિવસે વાહનોની લાઇટ ચાલુ કરવી પડી
ગાઢ ધુમ્મ્સને કારણે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં વિઝિબિલિટી ઘટતા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે. ઓછી વિઝિબિલિટીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને દિવસે પણ વાહનની લાઇટ ચાલુ રાખવા ફરજ પડી છે.

લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર એક અકસ્માતમાં 3 લોકોના મોત
લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. એક્સપ્રેસવે પર એક ટ્રક, સ્લીપર બસ અને કાર એકબીજા સાથે અથડાયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત એરવા કટરા પોલીસ સ્ટેશનની હદમાં થયો છે. સ્થાનિક પોલીસ ટીમો દ્વારા સંયુક્ત બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે ઉમેર્યુ કે, આ અકસ્માત ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સૈફઇ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

વિઝિબિલિટીના અભાવે કાર પુલની રેલિંગ તોડી નદીમાં ખાબકી
ગાઢ ધુમ્મ્સના કારણે વિઝિબિલિટી ઘટતા ગંભીર અકસ્માત થયા છે. જેમાં એક અકસ્માતમાં ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈ અને પુલની રેલિંગ તોડી કાલી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસને અકસ્માતની માહિતી મળતા તે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા અલીગઢ રેફર કરવામાં આવ્યા હતા.

માહિતી અપનાર આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો હાથરસ પરત ફરી રહ્યા હતા. માહિતી અનુસાર હાથરસના નોઝિલપુર ગામના રહેવાસી મથુરા પ્રસાદ, સંજીવ, દામોદર કાસગંજની કલાવતી હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ અહીંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધુમ્મસના કારણે કાર બેકાબુ બની અને પુલની રેલિંગ તોડી કાલી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં મથુરા પ્રસાદ અને સંજીવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને દામોદર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘાયલ દામોદરને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી તેને અલીગઢ રિફર કરવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષિતા માથુર અને એસપી મૂર્તિ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ડીએમએ પણ મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
ઉત્તર ભારતમાં ધુમ્મસ વધવાની આગાહી
ઉત્તર ભારતમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

સોમવારે સેટેલાઈટ ઈમેજીસમાં પંજાબથી લઈને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી હરિયાણા અને દિલ્હી સુધી ધુમ્મસ ગાઢ દેખાય છે. હવામાન વિભાગે વહેલી સવારે અમૃતસર, પટિયાલા, બરેલી, લખનૌ અને બહરાઇચમાં 25 થી 50 મીટર સુધીની વિઝિબિલિટી હોવાની જાણકારી આપી હતી.