Madhya Pradesh Elections 2023 : મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થવાનું છે. આવતીકાલે સાંજે રાજ્યમાં પ્રચાર-પ્રસાર સંપૂર્ણ બંધ થઈ જશે. આ પહેલા રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કરી રહી છે. મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામોને લઇને મોટી ભવિષ્યવાણી કરી હતી.
વિદિશામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રાજ્યમાં આગામી સરકાર કોંગ્રેસ પાર્ટીની હશે. તેમણે કહ્યું કે મારી મધ્ય પ્રદેશની ઘણી મુલાકાતો થઈ છે. હું સો ટકા કહી શકું છું કે અહીં કોંગ્રેસ પાર્ટીનું વાવાઝોડું આવવાનું છે. તમે લખીને રાખો મધ્ય પ્રદેશની જનતા કોંગ્રેસ પાર્ટીને 145થી 150 સીટો આપવા જઈ રહી છે.
‘અમે તેમને કર્ણાટક અને હિમાચલથી ભગાડ્યા’
વિદિશાની રેલીમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલીએ છીએ. અમે ભાજપ સામે લડીએ છીએ, કર્ણાટકમાં અમે તેમને હાંકી કાઢ્યા છે, હિમાચલમાં અમે તેમને મારીને ભગાડ્યા છે. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલીએ છીએ. અમે અહિંસાના સૈનિક છીએ, અમે મારતા નથી. જોકે અમે કર્ણાટકમાં પ્રેમથી તેમને મારીને ભગાડી મુક્યા છે, કહ્યું કે અહીં પણ તમારા માટે કોઈ જગ્યા નથી. તમે કર્ણાટકને ખૂબ જ ખરાબ રીતે લૂંટ્યું છે. 40% સરકાર ચલાવી છે, ચાલો ભાગો અહીંથી.
આ પણ વાંચો – શું કોંગ્રેસનો ઓબીસી રાગ માત્ર એક રાજકીય દાવપેચ છે? મધ્ય પ્રદેશમાં ઉમેદવારોની યાદી એક અલગ કહાની દર્શાવે છે
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા છે: રાહુલ ગાંધી
રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણને આડે હાથે લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલાં તમે બધાએ કોંગ્રેસની સરકારને ચૂંટી હતી, એમપીના લોકોએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી જીતાડી હતી. પછી ભાજપના નેતાઓએ સાથે મળીને ધારાસભ્યોને ખરીદીને તમારી સરકાર ચોરી લીધી હતી.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને ખરીદવા માટે કરોડો રૂપિયા આપીને, સોદો કરીને, તમે જે નિર્ણય કર્યો હતો તે કચડી નાખ્યો છે. તમારી સાથે છેતરપિંડી કરી છે. તેમણે ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. અમે તમારી સરકાર ચલાવવા માંગતા હતા, અમે ખેડૂતોના દેવા માફ કર્યા હતા.





