મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પણ ભાજપની રસ્તે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના હિંદુત્વ કાર્ડ અપનાવી કોંગ્રેસ પણ રાજ્યની 230 વિધાનસભા બેઠકો પર સુંદરકાંડ અને ભાગવત ગીતા પાઠ કરવા જઈ રહી છે. આ બાબત વર્ષ 2023ના અંતમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેના પક્ષના અભિયાનની શરૂઆત દર્શાવે છે જ્યાં કથાકાર રિચા ગોસ્વામી કોંગ્રેસના સૌથી શક્તિશાળી શસ્ત્રો પૈકીના એક છે.
230 વિધાનસભા બેઠકમાં 108 સુંદરકાંડના પાઠ
કોંગ્રેસના ધર્મ અને ઉત્સવ સેલના પ્રદેશ અધ્યક્ષ રિચા ગોસ્વામીએ કહ્યું કે અમે 230 વિધાનસભા બેઠકોમાં 108 સુંદરકાંડના પાઠ કરીશું. આની સાથે મોટા સ્થળોએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત શિવપુરાણનું પણ આયોજન કરીશું. 32 વર્ષીય કથાકાર રિચા ગોસ્વામી કહે છે કે મારું કામ લોકો પાસેથી વોટ માંગવાનું નથી પરંતુ રાસલીલા અને ભાગવત કથાને રાજ્યના દરેક વિસ્તારમાં પહોંચાડવાનું છે.
કોંગ્રેસ દેખાવમાં નહીં ધર્મમાં માને છે – રિચા ગોસ્વામી
તાજેતરમાં જ્યારે કમલનાથે નારી સમ્માન યોજનાના ભાગરૂપે મહિલાઓને 1,500 રૂપિયાની માસિક સહાય સાથે એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું, ત્યારે રિચા ગોસ્વામીએ રામાયણના સુંદરકાંડના પાઠ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રિચાએ કહ્યું, “લોકો કહે છે કે કોંગ્રેસ ધર્મમાં માનતી નથી. હું પાર્ટીના નેતાઓને અંગત રીતે ઓળખું છું, તેઓ ધર્મમાં માને છે પરંતુ તેઓ ક્યારેય દેખાડો કરવામાં માનતા નથી.
5 વર્ષની વયે કથાપાઠ શીખવાનું શરૂ કર્યું
મૂળ ઈન્દોરના રહેવાસી રિચા ગોસ્વામી અમરકંટકમાં તેમના પરિવારના એક આશ્રમમાં મોટા થયા છે. તેમના પિતા સંસ્કૃત વ્યાકરણના શિક્ષક છે અને તેમની માતા વકીલ છે. રિચા કહે છે કે નાનપણથી જ તેમનો પરિચય કાથાકારો સાથે થયો હતો, જેમને તેમના પિતાએ અમરેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવચન આપતી વખતે તાલીમ આપી હતી.
રિચા ગોસ્વામી કહે છે કે 5 વર્ષની ઉંમરે તેણે કથાપાઠ શીખવાનું શરૂ કર્યું હતું અને 10 વર્ષની ઉંમરે તેમાંથી ઓછામાં ઓછા સોમાં નિષ્ણાંત થઇ ગયા હતા. રિચા કહે છે કે તેમની મહત્વકાંક્ષા એન્જિનિયર બનવાની હતી અને તેની માટે સાયન્સ સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી, જો કે છેવટે તેમણે પોતાના પરિવારની ઇચ્છા અનુસાર આ ક્ષેત્રમાં આગળ ધપાવવાનું નક્કી કર્યું.
યુટ્યુબ ચેનલના માધ્યમથ ભાજપ પર પ્રહારો
મહર્ષિ મહેશ યોગી વૈદિક યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, રિચા ગોસ્વામીએ 650 થી વધુ ઉપદેશો આપ્યા હોવાનો દાવો કર્યો છે અને વર્ષ 2022માં સતત 108 કલાક સુધી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો પાઠ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. રિચા હવે ભાજપ પર પ્રહાર કરવા માટે તેની યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે.
અમે હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ નથી કરતા
રિચા ગોસ્વામીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “હિંદુ ધર્મનો અર્થ એ નથી કે તમે લાકડી ઉપાડો અને લોકોને મારવાનું શરૂ કરો કારણ કે તેઓ તમારી સાથે સહમત નથી. હિંદુ ધર્મ પહેલા વૈદિક સનાતન ધર્મ હતો. અમે બધા ધર્મો સ્વીકારીએ છીએ. અમે હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ નથી કરતા. હું મહાત્મા ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરું છું અને લોકોને આ સંદેશ આપવા માંગુ છું કે આ કોંગ્રેસની વિચારધારા છે.”
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





