Bhupesh Baghel : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કથિત મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ફસાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કથિત મહાદેવ એપ કેસના એક આરોપીએ દાવો કર્યો છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમને યૂએઈ જવાની સલાહ આપી હતી. આ મામલે સીએમ બઘેલ પર ચૂંટણી દરમિયાન મની લોન્ડ્રિંગ અને ગેરકાયદેસર પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે.
છત્તીસગઢ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી શુભમ સોનીએ (જે મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા વોન્ટેડ છે) દુબઈથી એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં તેમણે સીએમ બઘેલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં સોનીએ દાવો કર્યો છે કે તે ભૂપેશ બઘેલના કહેવાથી દુબઈ ગયો હતો.
શુભમ સોનીએ એવો દાવો પણ કર્યો હતો કે તે મહાદેવ એપ્લિકેશનનો અસલી માલિક છે. હાલમાં જ ઈડીએ અસીમ દાસ પાસેથી 5.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર અસીમ દાસે દાવો કર્યો હતો કે તેને શુભમ સોનીએ દુબઈથી ભૂપેશ બઘેલ માટે મોકલ્યો હતો.
સટ્ટાની એપ સાથે જોડાયેલા કેટલાક બેનામી બેંક ખાતાઓ પણ મળી આવ્યા હતા અને તેમાં રહેલા 15.59 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ બાદ અસીમ દાસના સેલફોનની ફોરેન્સિક તપાસ અને શુભમ સોની દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેઇલથી જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં પણ નિયમિત ચુકવણી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આશરે 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ઇડીનો મોટો દાવો – મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરે સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા
મહાદેવ સટ્ટાબાજીની એપ્લિકેશનના પ્રમોટરો વિદેશથી તેમનો વ્યવસાય ચલાવે છે. તેમની મોટાભાગની પેનલ છત્તીસગઢની છે અને તેમણે હજારો કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. ઇડીએ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને 450 કરોડ રૂપિયાથી વધુની આવક જપ્ત કરી હતી.
વિરોધ પક્ષો સતત ઇડીને નિશાન બનાવી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ગુરુવારે ચૂંટણી પંચને અપીલ કરી હતી કે છત્તીસગઢ આવતા તમામ સ્પેશ્યલ વિમાનોની તપાસ કરવામાં આવે. ભૂપેશ બઘેલે કહ્યું કે આખરે બોક્સમાં શું આવી રહ્યું છે? દરોડાના નામે રાજ્યમાં આવતા ઈડીના વાહનોની તપાસ થવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપને ચૂંટણીમાં હાર દેખાતી હોવાથી બોક્સમાં પૈસા લાવી રહ્યા છે.





