મહારાષ્ટ્રના અકોલાના જૂના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવાર, 13 મેની સાંજે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસક ટોળાએ કેટલાક વાહનો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. અકોલાના એસપી સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે હિંસક ટોળાએ કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત, 8 ઘાયલ
અકોલાના એસપી સંદીપ ઘુગેએ જણાવ્યું કે, “ગઈકાલે બે સમુદાયો વચ્ચે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની વાત આવી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 26 લોકોની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત અથડામણમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાં 2 પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
એસપીએ જણાવ્યું કે, પોલીસે એક વિશાળ દળ તૈનાત ખડક્યું છે જેમાં સ્થાનિક પોલીસ દળ, હુલ્લડ નિયંત્રણ ટીમનો સમાવેશ થાય છે. સિનિયર પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બંને સમુદાયો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અન 7-8 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ ચોક્કસ ધર્મને લઈને અફવાને કારણે તંગદિલી સર્જાઈ હતી. તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ડેપ્યુટી સીએમના કાર્યાલયે કહ્યું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અકોલા ઘટનાને લઈને ગઈકાલે રાતથી ડીજીપી તેમજ અકોલા પોલીસના સંપર્કમાં હતા. હવે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને શાંતિ છે. અત્યાર સુધીમાં 30 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ડેપ્યુટી સીએમએ પણ આ ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.
અકોલામાં કલમ 144 લાગુ
અકોલાના ક્લેક્ટર નીમા અરોરાએ આ બાબતની જાણકારી આપતા કહ્યું કે, બે જૂથોમાં થયેલી હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસક ટોળાએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે નજીવી તકરાર હિંસક અથડામણમાં પરિણમી હતી. આ અથડામણ બાદ જૂના શહેર પોલીસ સ્ટેશનની બહાર પણ ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.
અકોલાના એસપી સંદીપ ઘુગે કહ્યુ કે, હાલ પરિસ્થિતિ અંકુશમાં છે. જિલ્લા કલેક્ટરના આદેશથી આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.