Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે પૂણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટી (સીઆરસીએસ) ઓફિસનું ડિજિટલ પોર્ટલની શરૂઆત કરી છે. હાલમાં જ એનડીએમાં સામેલ થયેલા એનસીપી નેતા અજિત પવાર પણ ગૃહમંત્રીની સાથે મંચ પર હાજર હતા. અમિત શાહે સ્ટેજ પર તેમનું સ્વાગત પણ કર્યું હતું.
‘અજિત દાદા પહેલી વાર તમારી સાથે સ્ટેજ શેર કરી રહ્યો છું’
મંચ પર એનસીપી નેતાનું સ્વાગત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ દાદા પહેલીવાર આવ્યા છે અને હું તેમની સાથે પ્રથમ વખત સ્ટેજ પર કાર્યક્રમ કરી રહ્યો છું. હું તેમને કહેવા માંગુ છું કે દાદા લાંબા સમય પછી તમે યોગ્ય જગ્યાએ બેઠા છો. આ જગ્યા યોગ્ય હતી પરંતુ તમે ઘણું મોડુ કર્યું છે.
અમિત શાહની મહારાષ્ટ્રની મુલાકાતે
આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓની સાથે જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું ધ્યાન સહકારી ક્ષેત્ર પર કેન્દ્રિત કર્યું છે. જે રાજ્યના ગ્રામીણ અર્થતંત્ર અને રાજકારણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આ પણ વાંચો – અમિત શાહની ઓડિશાના CM નવીન પટનાયક સાથે મુલાકાત, લોકસભા ચૂંટણી પહેલા BJP-BJD હાથ મીલાવે તેવી અટકળો તેજ
શાહ શનિવારે મોડી સાંજે પૂણે પહોંચ્યા હતા અને એરપોર્ટ પર મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેમનું સ્વાગત કર્યું હતું. રવિવારે ગૃહમંત્રીએ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીની વેબસાઈટ લોન્ચ કરી હતી અને રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્રના દિગ્ગજો સાથે બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. ગૃહમંત્રીએ આ દરમિયાન કહ્યું કે આનાથી સમગ્ર કામ ડિજિટલ થઈ જશે અને આ માત્ર પીએમ મોદીના વિચારથી જ શક્ય બન્યું છે.
મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે 42 ટકા સહકારી મંડળીઓ મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્ર એક તરફ છે અને દેશ બીજી તરફ છે. ગૃહમંત્રીએ મહારાષ્ટ્રને સહકારી ક્ષેત્રની રાજધાની પણ ગણાવી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે અહીંથી દેશમાં સહકારીના મૂલ્યોનો ફેલાવો થયો છે. તેમણે કહ્યું હતું કે આ પોર્ટલ લોન્ચ થવાથી ઘણી સરળતા થશે અને સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે તેની સંપૂર્ણ સિસ્ટમનું કમ્પ્યુટરાઇઝેશન જરૂરી છે.