મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં ફરી નવાજૂની થવાના એંધાણ છે. પોતાના નિવેદનોથી ઘણીવાર વિક્ષેપો પર નિશાન સાંધનાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એક નિવેદનથી કડકડતી ઠંડીમાં ફરી રાજકારણ ગરમાયુ છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યુ કે, તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલની ખુરશી છોડવા માંગે છે. તેમણે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
રાજભવન તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. તેઓ હવે તેનાથી કંટાળી ગયા છે. આ પહેલી ઘટના નથી જ્યારે કોશ્યારીએ રાજકીય હલચલ મચાવી હોય. આ પહેલા પણ તે શિવાજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. છત્રપતિ શિવાજી મામલાને લઈને વિપક્ષોએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ અને એકનાથ શિંદેને પણ બેકફૂટ પર આવવું પડ્યું હતું
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું, “સંતો, સમાજ સુધારકો અને બહાદુર યોદ્ધાઓની ભૂમિ – મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપવી એ મારા માટે બહુ સન્માનજનક અને સૌભાગ્યપૂર્ણ છે.”
ભગતસિંહ કોશ્યારીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, “છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકતો નથી. માનનીય વડાપ્રધાનની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન, મેં તેમને તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની અને મારું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય પ્રવૃત્તિઓમાં વિતાવવાની મારી ઈચ્છા જણાવી છે. મને માનનીય વડાપ્રધાન તરફથી હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો છે અને આ સંબંધમાં પણ તે જ પ્રાપ્ત થશે તેવી હું આશા રાખું છું,”
તેમણે અગાઉ એક નિવેદનમાં – ‘રાજ્યપાલની જવાબદારીએ તેમને માત્ર નિરાશા આપી છે’ – તેવી વાત જણાવ્યાના બે સપ્તાહ બાદ આ ઘટના સામે આવી છે. તેમણે 7 જાન્યુઆરીના રોજ જૈન ધાર્મિક નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરતી વખતે આવું નિવેદન આપ્યું હતુ.
કોશ્યારીના શિવાજી વિશેના નિવેદન પર વિવાદ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે અમારા શિક્ષકો અમને પૂછતા હતા કે તમારો પ્રિય નેતા કોણ છે? કોઇને સુભાષચંદ્ર બોઝ ગમતા હતા, કોઇને જવાહરલાલ નેહરુ ગમતા હતા કે મહાત્મા ગાંધી ગમતા હતા, અમે તેમને અમારા હીરો કહેતા હતા. પરંતુ મને લાગે છે કે જો કોઈ તમને પૂછે કે તમારો આઇકોન કોણ છે, તમારો ફેવરિટ હીરો કોણ છે, તો તમારે બહાર જવાની જરૂર નથી. અહીં મહારાષ્ટ્રમાં જ તમને તે મળશે.
આ કાર્યક્રમમાં શિવાજીનો ઉલ્લેખ કરતા ભગતસિંહ કોશ્યારીએ આગળ જણાવ્યુ હતું કે, ‘શિવાજી તો જૂના સમયની વાત થઇ. હું નવા યુગની વાત કરી રહ્યો છું, જે અહીંયા જ મળી જશે. ડોક્ટર ભીમરાવ આંબેડકરથી લઇને નીતિન ગડકરી સુધી, અહીંયા તમને તમારા આઇકોન મળી જશે. ભગતસિંહ કોશ્યારીના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ સર્જાયો હતો. મહાવિકાસ અઘાડી પાર્ટીએ તો કોશ્યારીના રાજીનામાંની પણ માંગણી કરી હતી. ઉપરોત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પણ રાજ્યપાલ કોશ્યારી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.