Maratha Reservation in Maharashtra : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનું આંદોલન જોર પકડી રહ્યું છે. આંદોલનકારીઓએ હવે હિંસક વલણ અપનાવ્યું છે. સોમવારે મરાઠા આંદોલનકારીઓએ રાજ્યના બીડ જિલ્લામાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર હુમલો કરીને આગ ચાંપી દીધી હતી. આ સમયે ધારાસભ્યના ઘરમાં જ હતા. ઘરમાં હાજર ધારાસભ્ય, તેમનો પરિવાર અને સ્ટાફ સુરક્ષિત રીતે બચાવ થયો છે. જોકે સંપત્તિને ભારે નુકસાન થયું હતું.
સીએમ એકનાથ શિંદેએ કાર્યકર્તાઓને શાંતિ જાળવવાનું આહ્વાન કર્યું
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મરાઠા અનામત કાર્યકરોને હિંસાથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ રીતે પોતાનું આંદોલન ચલાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મનોજ જારાંગે પાટિલે એ તથ્ય પર ધ્યાન આપવું જોઈએ કે આ વિરોધ શું મોડ લઈ રહ્યો છે. તે ખોટી દિશામાં જઈ રહ્યું છે.
આ ઘટના બાદ ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે હું મારા ઘરની અંદર હતો. સદ્ભાગ્યથી મારા કુટુંબના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ ન હતી. અમે બધા સલામત છીએ પરંતુ આગને કારણે સંપત્તિને ભારે નુકસાન થયું છે.
નેતાઓએ આ ઘટનાની ટિકા કરી
બીજી તરફ એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જે ટ્રિપલ એન્જિન સરકાર છે તેની આ નિષ્ફળતા છે. આજે એક ધારાસભ્યનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? આ તેમની જવાબદારી છે. શિવસેના (યુબીટી)ના નેતા અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે આ છૂટીછવાઈ ઘટનાઓ બની રહી છે. સમાજમાં અશાંતિ છે. સુપ્રીમ કોર્ટ અને બંધારણે નક્કી કરેલા ધારાધોરણો મુજબ બિન-પડકારજનક અનામત બનાવવી જોઈએ.
આ પણ વાંચો – DRDO તૈયાર કરી રહ્યું છે ઈઝરાયલ જેવું Iron Dome
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જારંગે પાટિલે માંગણી કરી છે કે સરકાર નક્કર નિર્ણય લે અને સમુદાય માટે અનામતને લઈને વટહુકમ કે સરકારી પ્રસ્તાવ લાવે.
રાજ્યમાં મરાઠા અનામતની માંગ ઘણી જૂની છે
રાજ્યમાં મરાઠા અનામતની માંગ ઘણી જૂની છે. આ અંગે લોકો અનેક વખત રસ્તા પર ઉતરી આવ્યા છે. ગત સપ્ટેમ્બરમાં જાલનામાં આંદોલનકારીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ કાર્યકરોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસામાં 42 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અનેક બસોને આગના હવાલે કરી હતી અને તોડફોડ કરવામાં આવી હતી.