અજિત પવાર ભાજપ-શિવસેના સરકારમાં જોડાતાં શિંદે જુથ નારાજ, નવા જૂની થવાના એંધાણ, ડેમેજ કંટ્રોલ માટે કવાયત

Maharashtra Politics: એનસીપી નેતા અજિત પવાર ભાજપ શિવસેના સરકારમાં જોડાતાં એનસીપીનો ઝઘડો તો જગજાહેર છે પરંતુ આ ઘટનાનો ધુમાડો શિવસેનામાં પણ ઉઠી રહ્યો છે. શિંદે જુથમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

Written by Haresh Suthar
July 05, 2023 14:36 IST
અજિત પવાર ભાજપ-શિવસેના સરકારમાં જોડાતાં શિંદે જુથ નારાજ, નવા જૂની થવાના એંધાણ, ડેમેજ કંટ્રોલ માટે કવાયત
અજિત પવાર અને શરદ પવાર વચ્ચે એનસીપીમાં ખેંચતાણ

મહારાષ્ટ્ર રાજકીય ડ્રામા હાઇલેવલ પર છે. એનસીપી બે જુથમાં વહેંચાઇ ગયું છે. શરદ પવાર અને અજિત પવાર બંને પોતાની શક્તિ બતાવવા મથી રહ્યા છે. એનસીપી છાવણીમાં રીતસરની આગ લાગી છે જોકે એનો ધુમાડો ભાજપ શિવસેનાની ગઠબંધન સરકારમાં પણ ઉઠી રહ્યો છે. અજિત પવાર સરકારમાં જોડાતાં શિવસેના જુથમાં પણ નારાજગીનો સૂર ઉઠવા પામ્યો છે.

અજિત પવાર ભાજપ શિવસેના સરકારમાં જોડાતાં શરદ પવાર માટે એનસીપી ધારાસભ્યોને સાચવવા અઘરા થઇ રહ્યા છે. અજીત પવારના આ દાવથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. અજિત પવાર શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની જતાં શરદ પવાર સામે મોટી મુસીબત સર્જી છે. એનસીપી બે જુથમાં વહેંચાઇ ગઇ છે. કેટલાક ધારાસભ્યો બગાવત કરનાર અજિત પવાર સાથે છે તો કેટલાક ધારાસભ્યો એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવાર સાથે છે.

NCP માં આગ, શિવસેનામાં ધુમાડો

અજિત પવાર એનસીપીના કેટલાક ધારાસભ્યો સાથે ભાજપ શિવસેનાની ગઠબંધન સરકારમાં જોડાઇ ગયા અને નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. જેને પગલે અનસીપીમાં તો આગ લાગી જ છે. પરંતુ એનો ધુમાડો શિવસેના જુથમાં પણ ઉઠી રહ્યો છે. અજિત પવાર અને એમની સાથે આવેલા ધારાસભ્યોને મંત્રી પદ આપવાને લઇને શિવસેના જુથમાં નારાજગીનો સૂર ઉઠવા પામ્યો છે. એકનાથ જૂથની શિવસેનાના નેતા સંજય શિરસાટનું એક નિવેદન સામે આવ્યું છે. જેને લઇને શિવસેના જુથમાં પણ આંતરિક કચવાટ સપાટીએ આવે એવી અટકળો તેજ થવા લાગી છે.

શિવસેના નેતાએ કરી મોટી વાત

શિવસેના નેતા સંજય શિરસાટે કહ્યું કે, રાજકારણમાં પ્રતિદ્વંદ્વી જુથ આપણી સાથે આવવા ઇચ્છે તો એમને સાથે જોડવા પડે છે અને ભાજપે પણ આ જ કર્યું છે. એનસીપી અમારી સાથે આવવાથી અમારા જુથના લોકો નારાજ થયા હતા કારણ કે એમના કારણે અમારા નેતાઓને એમની ઇચ્છાનું પદ મળવું મુશ્કેલ થઇ રહ્યું છે. એ પણ સાચુ નથી કે અમારા બધા નેતાઓ એનસીપી અમારી સાથે જોડાતાં ખુશ છે.

સંજય શિરસાટે આ નિવેદનથી એ વાત તો સ્પષ્ટ છે કે શિંદે જુથમાં અજિત પવારની એન્ટ્રીને લઇને કેટલેક અંશે નારાજગી છે અને આ ઘટનાક્રમને લઇને એકનાથ શિંદે જુથ પણ હવે સક્રિય થઇ રહ્યું છે.

એકનાથ શિંદે કરશે યોગ્ય નિર્ણય

વધુમાં તેમણે કહ્યું કે, અમે સીએમ અને ડેપ્યૂટી સીએમને આ અંગે જાણ કરી દીધી છે અને આ મુદ્દે ઉકેલ લાવવા પણ જણાવ્યું છે. અમે હંમેશાથી એનસીપીની વિરૂધ્ધ હતા અને આજે પણ શરદ પવારની વિરૂધ્ધ છીએ. શરદ પવારે ઉદ્વવ ઠાકરેને સીએમના રૂપમાં ઉપયોગ કર્યા હતા. જ્યારે ઉદ્વવ ઠાકરે સીએમ હતા તો શરદ પવાર જ સરકાર ચલાવતા હતા. હવે આ મામલે એકનાથ શિંદે જ યોગ્ય નિર્ણય કરશે.

આ પણ વાંચો – શરદ પવારને હાથના કરેલા હૈયે વાગ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં આજે એનસીપીના બંને જુથની બેઠક છે. શરદ પવાર અને અજિત પવાર પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. એનસીપી ધારાસભ્યો કોની સાથે છે એ ફેંસલો થતાં જ મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો સ્પષ્ટ બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ