maharashtra politics : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકારણ વચ્ચે રવિવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે શરદ પવારના ભત્રીજા અને એનસીપીના મજબૂત નેતા અજિત પવાર એકનાથ શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ અજિત પવારને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને શરદ પવારે અજિત પવારના આ પગલાની આકરી ટીકા કરી છે. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.
શરદ પવારે કહ્યું છે કે જે થયું તે મારા માટે નવું નથી. પહેલા પણ આવો બળવો થયો છે. જ્યારે લોકો મને છોડીને જતા રહ્યા ત્યારે મારી પાસે માત્ર પાંચ ધારાસભ્યો જ બચ્યા હતા. પવારે કહ્યું કે જે લોકો છોડી ગયા છે તેમાંથી કેટલાકે પાર્ટીના સિદ્ધાંતો વિરુદ્ધ આવું કર્યું છે. હું ફરી પાર્ટી બનાવીશ.
એનસીપીના વડાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા જ એનસીપી પર હુમલો કરીને તેને ભ્રષ્ટ ગણાવી હતી. આજે એનસીપીના અમારા કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં લઈ જઈને તેમણે આ આક્ષેપો સદંતર ખોટા હોવાનું દર્શાવ્યું છે. આ માટે હું ભાજપનો આભાર માનું છું. આગામી કેટલાક દિવસોમાં, લોકોને ખબર પડશે કે એનસીપીના આ નેતાઓએ શા માટે હાથ મિલાવ્યા છે.
અજિત પવાર ઉપરાંત એનસીપીના આઠ ધારાસભ્યોએ આજે મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાના શપથ લીધા હતા. આ ધારાસભ્યોમાં છગન ભુજબળનો પણ સમાવેશ થાય છે, જેઓ નાસિકની યેઓલા બેઠક પરથી ધારાસભ્ય છે. દિલીપ રાવ વલસે પાટીલ અંબેગાંવના ધારાસભ્ય છે. હસન મુશરિફ જે કોલ્હાપુરની કાગલ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ધનંજય મુંડે બીડના પરલી મત વિસ્તારના ધારાસભ્ય છે. ધર્મરાવ બાબા આત્રામ ગઢચિરોલીની અહેરી બેઠક પરથી ધારાસભ્ય છે. અદિતિ તટકરે શ્રીવર્ધન બેઠક પરથી ધારાસભ્ય છે. સંજય બનાસોડે લાતુરની ઉદગીર સીટનું પ્રતિનિધિત્વ કરે છે. અનિલ ભાઈદાસ પાટિલ જલગાંવની અમલનેર બેઠક પરથી ધારાસભ્ય છે.
‘મહારાષ્ટ્રને ભાજપની ચુંગાલમાંથી મુક્ત કરશે કોંગ્રેસ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે ભાજપના વોશિંગ મશીને તેમનું કામ ફરી શરૂ કરી દીધું છે. આજે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ થયેલા ઘણા નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા. ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સના અધિકારીઓ તેમની પાછળ પડ્યા હતા. હવે આ તમામને ક્લીન ચિટ મળી ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ મહારાષ્ટ્રને ભાજપની ચુંગાલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે.
આ પણ વાંચો – શરદ પવાર આ મોટા સંકેત ચૂકી ગયા અને ભત્રીજા અજિત પવારે કરી નાખી મોટી ગેમ!
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું કે આજે પણ અમે વિપક્ષમાં છીએ. કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું ગઠબંધન હજુ પણ ચાલુ છે. એનસીપીમાં શરદ પવાર સાથે કેટલા લોકો છે તે અમને ખબર નથી. હવે શરદ પવારે નક્કી કરવાનું છે કે તેમની સાથે જેટલા ધારાસભ્યો છે તે શું ઇચ્છે છે. અમારું ગઠબંધન યથાવત્ છે.
સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ કોઈ પરિવર્તન નથી પરંતુ ફેરફારનો સમયગાળો છે. તમે એકનાથ શિંદેનો ચહેરો જોયો? અજિત પવારનો મંત્રીમંડળમાં પ્રવેશ એટલે એકનાથ શિંદે જઈ રહ્યા છે. એકનાથ શિંદે હવે મુખ્યમંત્રી નહીં રહે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે એનસીપીનો મોટો વર્ગ એનડીએમાં જોડાયો છે. એનસીપીના 53 ધારાસભ્યો છે,જો 37થી વધુ ધારાસભ્યો અજિત પવાર સાથે જાય તો તેઓ પક્ષપલટાના કાયદાથી બચી શકે છે અને જો અજિત પવારના 35થી ઓછા ધારાસભ્યો છે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે નક્કી છે. શિવસેનાના સમયમાં જે થયું તે થશે પરંતુ આ આંકડો આવતીકાલ સુધીમાં બહાર આવી જશે, કારણ કે શરદ પવારે કહ્યું હતું કે તેમને ઘણા ધારાસભ્યોએ ફોન પર જણાવ્યું છે કે તેમને ખોટું બોલીને સહી કરાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર એનસીપી અધ્યક્ષ જયંત પાટિલે કહ્યું કે અમારી પાર્ટીના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોએ હવે ત્યાં જઈને શપથ લીધા છે અને હવે તેઓ મંત્રી બની ગયા છે. એ અમારી નીતિ ન હતી. અમારી નીતિ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના ગઠબંધનમાં રહેવાની છે. જે ગયા છે તેમણે પાર્ટી વિરુદ્ધ નિર્ણય લીધો છે. 5 જુલાઈએ શરદ પવારના નેતૃત્વમાં મહારાષ્ટ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓની બેઠક યોજાશે.
જયંત પાટીલે વધુમાં જણાવ્યું હતું કે અમારા ચીફ વ્હીપ પણ ત્યાં જઇને મંત્રી બન્યા છે. તેમના સ્થાને અમે જિતેન્દ્ર આવ્હાડને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. શરદ પવારે તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે, તેમની ભૂમિકા વિશે કોઈ શંકા નથી. કાયદાકીય રીતે જે પણ પગલાની જરૂર પડશે તે લેવામાં આવશે. અમને તેમના (અજિત પવાર) પર વિશ્વાસ હતો કે તેઓ આવું નહીં કરે. કોઈ પણ પ્રકારની પૂછપરછનો પ્રશ્ન જ ન હતો. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયમાં લખ્યું છે કે પાર્ટી પોતાની જગ્યાએ રહે છે, પરંતુ ધારાસભ્યો આવતા-જતા રહે છે.
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં સામેલ થવાના નિર્ણય પર એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમારા નેતા શરદ પવારે જે કહ્યું છે તેના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. તેઓ અમારા માટે આદરણીય છે અને હંમેશા રહેશે. જેમ કે અજિત પવારે કહ્યું કે અમે જે પણ નિર્ણય લીધો છે, અમે તેને એક પાર્ટી તરીકે લીધો છે, અમે સામૂહિક નિર્ણય લીધો છે. કોઈના પર દબાણ નથી.
આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
શિવસેના (યુટીટી)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે જે એન્જિન પહેલા બે વાર નિષ્ફળ ગયું હતું તેને વધુ એક પૈડાની જરૂર હતી. પરંતુ જે બળવાખોરો મંત્રીપદના સપના જોઈ રહ્યા હતા તેમને એક વર્ષ પછી પણ શું મળ્યું? પછી તે ગુવાહાટી હોય, રાયગઢ હોય, નાસિક હોય, જલગાંવ હોય. તેમને સ્થાનિક એનસીપી નેતાઓના કારણે પરેશાની થઇ રહી હતી હવે તે જ એનસીપીના નેતાઓને મંત્રીપદ મળી રહ્યું છે ત્યારે બળવો કરનારાઓનું શું થશે?
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે મહારાષ્ટ્રમાં જે થઈ રહ્યુ છે, પહેલા ભાજપની પ્રયોગશાળા મધ્ય પ્રદેશ હતી, જે હવે મહારાષ્ટ્ર બની ગયુ છે. ચૂંટણી આવતા-આવતા જોજો ભાજપ કેટલા નવા અખતરા કરશે, ભલે પીડીએને ક્યાંય સ્થાન ના મળે પણ બીજેપીને દરેક સ્થાન જોઈએ છે.