વલ્લભ ઓઝાકર, આલોક દેશપાંડે : મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ કંઈક નવું જોવા મળે છે. જ્યારથી રાજ્યમાં શિવસેનાનું વિભાજન થયું છે, ત્યારથી એકસમયે તેમની સાથે તાલથી તાલ મિલાવનારા હવે આમને-સામને જોવા મળી રહ્યાની વાતો સામાન્ય બની રહી છે. પરંતુ હવે રાજ્યમાં અનેક રાજકીય પરિવારો પણ રાજકારણના કારણે વિભાજિત થઈ ગયા છે. આ પરિવારોમાંથી એક સુભાષ દેસાઈનો પરિવાર છે, જે ઠાકરે પરિવારની નજીક છે.
તાજેતરમાં સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાઈ ગયા. સુભાષ દેસાઈને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના જૂના સહયોગીઓમાંના એક માનવામાં આવે છે. રાજ્ય સરકારમાં ઉદ્યોગ વિભાગ સંભાળી ચૂકેલા સુભાષ દેસાઈએ તેમના પુત્રના નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું છે.
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર, તેમણે એકનાથ શિંદે સાથે તેમના પુત્રની વિદાયને તેમના માટે ‘પીડાદાયક’ ગણાવી છે. જોકે, તેમણે કહ્યું કે, ભૂષણના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને કોઈ ફરક પડશે નહીં.
સુભાષ દેસાઈએ કહ્યું, “મારો પુત્ર શિવસેના કે રાજકારણમાં સક્રિય નહોતો. તેથી, જો તે કોઈપણ પક્ષમાં જોડાય છે, તો તેની શિવસેના (યુબીટી) પર કોઈ અસર નહીં થાય. મારી વફાદારી છેલ્લા 5 દાયકાની શિવસેના, સ્વ. બાલા સાહેબ, ઉદ્ધવ સાહેબ અને માતોશ્રી પ્રત્યે છે જે યથાવત રહેશે. જ્યાં સુધી અન્ય શિવસેનાની જેમ ન્યાય ન મળે અને શિવસેના ફરી પાછું ગૌરવ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી હું મારું કાર્ય ચાલુ રાખીશ.
સુભાષ દેસાઈ એ જૂના જમાનાના શિવસેના નેતાઓમાંના એક છે, જેઓ ઉદ્ધવના આંતરિક વર્તુળમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે, પરંતુ 2009 પછી તેઓ એકપણ વિધાનસભા ચૂંટણી જીતી શક્યા નથી. તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર દરમિયાન તેમને મહત્વપૂર્ણ ઉદ્યોગ વિભાગ આપવામાં આવ્યો હતો. આ પછી તેમને ઉદ્ધવ સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.
સુભાષ દેસાઈ ગોરેગાંવના છે
સુભાષ દેસાઈ ગોરેગાંવના છે. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. જો કે સુભાષ વર્ષ 2014માં અહીંથી ભાજપની વિદ્યા ઠાકુર સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી ઉદ્ધવે તેમને એમએલસી બનાવ્યા, પછી તેમને ફડણવીસ સરકારમાં ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા.
રાજકારણમાં સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈને બહુ ઓછા લોકો ઓળખે છે. તે એક લો-પ્રોફાઈલ બિઝનેસમેન છે. તે બે કંપનીઓ ચલાવે છે, એક ખાદ્ય ઉદ્યોગમાં અને બીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં. જોકે, તેમનું નામ ગોરેગાંવ પ્રબોધન સંગઠનની વેબસાઈટ પર કાર્યકારી સમિતિના સભ્ય તરીકે નોંધાયેલું છે. આ સંસ્થાની શરૂઆત તેમના પિતા સુભાષ દેસાઈએ કરી હતી.
ભૂષણ પણ ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે તેણે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક હાઈરાઈઝમાં 33 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો. ભૂષણ મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન ભાજપના રડાર પર હતા. એવું કહેવાય છે કે, તે સ્ક્રીન પાછળથી કામ કરવાનું પસંદ કરે છે. ત્યારે બીજેપી તેમના પર આરોપ લગાવતી હતી કે, ભૂષણ તેમના પિતાના નેતૃત્વ હેઠળના ઉદ્યોગ વિભાગ પર દરોડા પાડી રહ્યા છે.
રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ ઉદ્ધવ સરકાર દરમિયાન MIDCની લગભગ 191 જમીનની ફાળવણી અટકાવી દેવામાં આવી હતી. તે સમયે સુભાષ દેસાઈ ઉદ્યોગ મંત્રાલય સંભાળતા હતા. જો કે, બાદમાં જ્યારે નવી પ્રણાલીએ મોરેટોરિયમ હટાવી લીધું, ત્યારે એવું જાણવા મળ્યું કે સરકાર આ જમીન ફાળવણીમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. ડિસેમ્બર 2022 માં, ભાજપના ધારાસભ્ય અતુલ ભાટખાલકર શાસક પક્ષના ધારાસભ્યોમાં હતા, જેમણે ભૂષણ વિરુદ્ધ તપાસની માંગ કરી હતી.
વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ઔદ્યોગિક ઉપયોગ માટે આરક્ષિત MIDCની લગભગ 4,14,000 ચોરસ મીટર જમીનને રહેણાંક હેતુઓ માટે ફેરવવામાં આવી હતી, જે ગેરકાયદેસર છે. તિજોરીમાં તેની કિંમત રૂ. 3,109 કરોડ હતી, જે આ જમીનોની બજાર કિંમત છે. આ કોવિડ -19 ના યુગમાં કરવામાં આવ્યું હતું, જ્યારે લોકો પથારી, ઓક્સિજન અને રેમડેસિવીર શોધી રહ્યા હતા. આ કૃત્ય કરનાર ભૂષણ સુભાષ દેસાઈ સામે તપાસની માંગ કરીએ છીએ. તેની તપાસ થવી જોઈએ કે, તેમાં સામેલ પૈસા માતોશ્રી સુધી પહોંચ્યા કે કેમ?
ત્યારે ભાતખાલકરે એમ પણ કહ્યું હતું કે, હાલના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ મામલે તપાસ કરવાની જાહેરાત કરી હતી. સામંત સીએમ શિંદેના મુખ્ય સહયોગીઓમાંના એક છે, જેમના બળવાથી ભાજપ સમર્થિત ઉદ્ધવ સરકાર પડી ગઈ હતી. જોકે, માંડ ત્રણ મહિના પછી, ભૂષણ સીએમ શિંદેને તેમની પાર્ટીમાં આવકારવા માટે સ્ટેજ પર જોડાયા.
શું દબાણ હેઠળ ભૂષણ દેસાઈ શિંદે જૂથમાં જોડાયા?
જ્યારે તેમના પિતા ઉદ્યોગ પ્રધાન હતા, ત્યારે એમઆઈડીસીમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કર્યો હોવાથી તેમના પર કોઈ દબાણ હતું કે કેમ તે અંગે પૂછવામાં આવતા, ભૂષણે કહ્યું કે, શિંદે સેનામાં જોડાવું એ તેમની “વ્યક્તિગત પસંદગી” હતી. જોકે, હવે ઉદ્ધવ સેનાએ MIDC વિવાદને લઈને ભૂષણ અને શિંદે-ફડણવીસ સરકાર પર નિશાન સાધ્યું છે.
ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જે લોકો વોશિંગ મશીન પર જઈને પોતાની જાતને સાફ કરવા ઈચ્છે છે, તેમણે ચોક્કસ જવું જોઈએ. પરંતુ સુભાષ દેસાઈ હજુ પણ અમારી સાથે છે અને ગમે તે થાય તે અમને છોડશે નહીં. ભૂષણ અમારી સાથે નહોતા અને તેઓ તેમની ઈચ્છા મુજબ ભાજપ સાથે જોડાઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે જૂથના અન્ય ધારાસભ્ય વૈભવ નાયકે જણાવ્યું હતું કે, ભૂષણ દબાણ હેઠળ હશે કારણ કે તેમના પિતાના મંત્રી પદના દુરુપયોગ કરવા બદલ તેમની સામે તપાસ શરૂ થઈ શકે છે.
(ભાવાનુવાદ – કિરણ મહેતા)