Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને કદાચ ક્યારેય અપેક્ષા નહોતી કે, તેમનો પક્ષ અને તેમના નેતાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં આ હદે આવી જશે. જોકે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે તેમની પાર્ટીની નિખાલસતા ક્યારેય છૂપી રહી નથી. હાલમાં, NCPના 31 ધારાસભ્યોએ વરિષ્ઠ પવાર સામે બળવો કર્યો અને રાજ્યમાં ભાજપ સરકારનો ભાગ બની ગયા. અજિત પવાર તથા ભાજપ સાથે એનસીપીનું જોડાણ આ ઇતિહાસ તરફ ધ્યાન દોરે છે.
NCP નું ભાજપ સામે હંમેશા ખુલ્લેઆમ સ્ટેન્ડ, મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ સિક્રેટ નહી
અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં આ ગઠબંધનની ટીકા કરનારને દંભી ગણાવી રહ્યા છે. જેઓ એનસીપીને સારી રીતે જાણે છે, તેઓ આ એક સાદી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે. મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતો જાણે છે કે, NCP અત્યારે ક્યાં ઊભી છે. એનસીપીનું 1999માં કોંગ્રેસમાંથી અલગ થયા બાદ અને 2014માં ગઠબંધનમાં તેની વાપસી વચ્ચે રાજ્યમાં ક્યારેય સત્તામાંથી બહાર નહોતી રહી. લગભગ આને એક દાયકા થઈ ગયો. વર્ષ 2024માં કેન્દ્રમાં તેમની સત્તામાં વાપસીની કોઈ ગેરંટી નથી.
વર્ષ 1999માં એનસીપીની રચના દરમિયાન શરદ પવારને વાજપેયી તરફથી આ ઓફર મળી હતી
શરદ પવારે સોનિયા ગાંધીના નેતૃત્વને લઈને કોંગ્રેસ સામે બળવો કર્યો અને 1999માં NCPની રચના કરી. ત્યાર બાદ તરત જ આ મરાઠા નેતાને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં એક મહત્ત્વની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. શરદ પવારે તેમની આત્મકથા લોક ભુલભૂલૈયા સંગાતિ (લોકો મારા સાથી છે)માં આનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ ઓફરને નકારી કાઢી અને ત્યાર બાદ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો, પરંતુ વાજપેયી અને ભાજપ સાથેના તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહે તેની પણ ખાતરી રાખી.
યુપીએ સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીતની પહેલ
2004માં યુપીએ સત્તામાં આવ્યા પછી પણ આ ચાલુ રહ્યું. 2004ની લોકસભા ચૂંટણીમાં વાજપેયીની સરકાર પડી ભાંગી અને નવી રચાયેલી મનમોહન સિંહ સરકારમાં શરદ પવાર મુખ્ય નેતા હતા. પવારે તેમની આત્મકથામાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, યુપીએ સરકાર દરમિયાન જ તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કટ્ટર હરીફ કોંગ્રેસની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતની ચેનલ સ્થાપિત કરવાની પહેલ કરી હતી.
એનસીપી સાથે ગઠબંધન ભાજપ માટે માત્ર નફાકારક સોદો છે
એનસીપી સાથે ગઠબંધન કરવું એ ભાજપ માટે માત્ર ફાયદાનો સોદો છે. પાર્ટીએ વર્ષોથી કેટલાક રાજ્યોમાં કેટલાક પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કર્યું છે, જે તેમની હિંદુત્વ વિચારધારાને શેર કરતા નથી. આ યાદીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, જેડી(યુ), તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, કર્ણાટકમાં જેડી(એસ), આંધ્રપ્રદેશમાં ટીડીપી અને પંજાબમાં અકાલી દળનો સમાવેશ થાય છે. આનાથી પાર્ટીને એવા રાજ્યોમાં પ્રવેશ કરવામાં મદદ મળી, જ્યાં તેમની હાજરી ઓછી હતી.
શિવસેના બાદ ભાજપ માટે એનસીપી આગામી વિકલ્પ હતો
જ્યાં સુધી મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન હતું, ખાસ કરીને જ્યારે દિવંગત બાલ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના ચરમસીમા પર હતી, ત્યારે બીજેપીને ક્યારેય બીજા સાથીઓની જરૂર જણાતી ન હતી. તે ગઠબંધન તૂટ્યું અને શિવસેનાના વિભાજન પછી, NCP હંમેશા ભાજપ માટે આગામી શ્રેષ્ઠ વિકલ્પ હતો. એનસીપીને ભાજપ માટે આકર્ષક ભાગીદાર બનાવવાની બાબત એ છે કે, પક્ષ પાસે એવા શક્તિશાળી નેતાઓ છે, જેઓ પક્ષની નિષ્ઠાને ધ્યાનમાં લીધા વિના પોતપોતાના મતવિસ્તારમાં મતદારોને વફાદાર રહે છે.
આ પણ વાંચો – BJP Maharashtra : ‘જોડ-તોડ’ સાથે મહારાષ્ટ્રમાં ભાજપનું વિસ્તરણ, બીજેપીમાં પાયાના સ્તરે અસંતોષનો ગણગણાટ શરૂ
મહારાષ્ટ્રમાં એનસીપી પાસે ચોક્કસ વોટ બેંકનો મોટો હિસ્સો છે
બીજું, NCP તેની સાથે મહારાષ્ટ્રમાં ચોક્કસ વોટ બેંકનો મોટો હિસ્સો લાવે છે. ઉદાહરણ તરીકે, ભાજપના શિવસેના સાથી એકનાથ શિંદે સાથે આવું નહોતું. તેઓ શિવસેનાના કાર્યકરોને પોતાના પક્ષમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે કાગળ પર, ભાજપા સાથે NCP અને શિવસેના જૂથોનું ગઠબંધન, પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષોનું મિશ્રણ જે લોકસભા અને વિધાનસભા ચૂંટણી બંનેમાં મહા વિકાસ અઘાડી (MVA) પર ભારે પડી શકે છે.





