4 વર્ષમાં 4 વિભાજન, 3 વખત CM બદલાયા… કેવી રીતે જોડ-તોડની રમતમાં મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ બદલાયા

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં ચાર વખત ઉથલ પાથલ જોવા મળી, વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને અજીત પવાર સાથે આવ્યા, ત્યારબાદ શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે આવ્યા, પછી શિંદેએ શિવસેના સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવ્યો હવે એનસીમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે ભાગલા.

Written by Kiran Mehta
Updated : July 05, 2023 15:09 IST
4 વર્ષમાં 4 વિભાજન, 3 વખત CM બદલાયા… કેવી રીતે જોડ-તોડની રમતમાં મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ બદલાયા
મહારાષ્ટ્ર રાજકારણ - ચાર વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી

Maharashtra Politics: NCP નેતા અજિત પવારે 2 જુલાઈના રોજ રાજભવન ખાતે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમની સાથે NCPના અન્ય 8 ધારાસભ્યો પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા. અજિત પવારનો દાવો છે કે, તેમની પાસે NCPના 40 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ નવી વાત નથી. આનો લાંબો ઈતિહાસ છે. ઓક્ટોબર 2019માં જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી. આ સાથે વિપક્ષી પાર્ટીના ધારાસભ્યોને પોતાના ફોલ્ડમાં લઈને સરકાર બનાવવા અને બહુમતી મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ હતી. તો ચાલો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે પાર્ટી બદલવાની રમત મહારાષ્ટ્રમાં ઘણી વખત થઈ છે.

મુખ્યમંત્રી પદ પર શિવસેનાનો દાવો

21 ઓક્ટોબર 2019: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 21 ઓક્ટોબર 2019ના રોજ આવ્યા. પરિણામ આવ્યા બાદ શિવસેનાએ ભાજપની સામે મુખ્યમંત્રી પદની માંગણી મૂકી હતી, જેને ભાજપે ફગાવી દીધી હતી. આ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. 2014 થી 2019 સુધી, ભાજપ અને શિવસેનાએ ગઠબંધન સરકાર ચલાવી હતી, પરંતુ 2019ની ચૂંટણીમાં, પ્રથમ સીટ વહેંચણી અને ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી પદને લઈને વિવાદ થયો હતો. બંને પક્ષો મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખવા માગતા હતા.

ફડણવીસે સવારે 5 વાગ્યે શપથ લીધા

બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બર 2019ના રોજ સવારે 5 વાગ્યે મુખ્યમંત્રી તરીકે અને NCPના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અજિત પવારે NCPમાં વિભાજન કરીને તેમની સાથે ઘણા ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં આ દાવો પોકળ સાબિત થયો હતો. શરદ પવારે તેમના તમામ ધારાસભ્યોની પરેડ કરાવી. રાજભવનની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને કોર્ટ તરફથી વિશ્વાસનો મત મેળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી ફડણવીસ સરકાર પડી ભાગી. અજિત પવાર પણ કાકા શરદ પવાર સાથે સમાધાન કરીને NCPમાં પાછા ફર્યા હતા.

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા

નવેમ્બર 28, 2019: ફડણવીસની સરકાર પડી ગયા પછી મહારાષ્ટ્રમાં કટ્ટર હરીફ કોંગ્રેસ અને શિવસેના એક સાથે આવ્યા. NCPના શરદ પવારે બંને પક્ષોને સાથે લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્રણેય પક્ષોએ મહા વિકાસ અઘાડી (MVA) નામનું ગઠબંધન બનાવવા માટે એકસાથે આવ્યા હતા. આ ગઠબંધનમાં શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે NCP તરફથી અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા. કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષ પદ આપવામાં આવ્યું હતું. આ સરકાર લગભગ અઢી વર્ષ સુધી ચાલી.

એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરી બાજી બદલી નાખી

30 જૂન 2022: ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો રાજકીય બદલાવ જોવા મળ્યો હતો. એકનાથ શિંદેએ શિવસેનાના 40 ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો. શિંદે જૂથના ધારાસભ્યોએ સરકારને તેમનું સમર્થન પાછું ખેંચવા કહ્યું. આ પછી ભાજપે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ભાજપના પ્રસ્તાવ પર રાજભવને ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા કહ્યું. ઠાકરેએ બહુમતી સાબિત કર્યા વિના જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઠાકરેના રાજીનામા બાદ ભાજપની મદદથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, ત્યારે કોર્ટે વિધાનસભા સ્પીકરને શિંદે જૂથ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું. સ્પીકર કોર્ટમાં 16 ધારાસભ્યોની સદસ્યતા હજુ બાકી છે.

આ પણ વાંચોMaharashtra Politics: શરદ પવાર ‘હાથના કરેલા હૈયે વાગ્યા’, સત્તા માટે દાવપેચ ‘પવાર’ માટે નવું નથી

અજિત પવારે શરદ પવારને મોટો ઝટકો આપ્યો

2 જુલાઈ, 2023: શિવસેનામાં બળવો થયાના બરાબર એક વર્ષ પછી, NCPમાં પણ મોટો ભાગલા જોવા મળી રહ્યા છે. શરદ પવારના ભત્રીજા અને NCP ધારાસભ્ય દળના નેતા અજિત પવારે તેમના 40 ધારાસભ્યો સાથે 2 જુલાઈ 2023 ના રોજ NDA સરકારમાં જોડાવાની જાહેરાત કરી. અજિત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 8 ધારાસભ્યો પણ સરકારમાં જોડાયા હતા. પ્રફુલ પટેલ અને છગન ભુગબલ જેવા નેતાઓ, કે જેઓ શરદ પવારના ખૂબ નજીક હતા તેઓ પણ એનસીપીના વિભાજનમાં સામેલ છે. અજિત જૂથનું કહેવું છે કે, તેમની પાસે બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યો છે અને તેમની પાસે સંગઠનમાં પણ લોકો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ