sharad pawar met eknath shinde : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે ગુરુવારે સાંજે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનો હેતુ સ્પષ્ટ નથી. પરંતુ આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડયું છે.
બન્ને નેતાઓ વચ્ચેની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાલ મહારાષ્ટ્રની બહાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક કેબિનેટના બાકી વિસ્તરણ અથવા એનસીપી નેતાઓ વિરુદ્ધ ઇડી દ્વારા ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોઈ શકે છે.
શરદ પવાર મુખ્યમંત્રીને આમંત્રણ આપવા આવ્યા હતા
એનસીપી પ્રમુખે આ બેઠક અંગે ટ્વિટ કરીને જાણકારી આપતા લખ્યું કે મુંબઈમાં મરાઠા મંદિરની અમૃત મહોત્સવની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. તેમણે ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ, થિયેટર અને કલા ક્ષેત્રના કલાકારો અને કારીગરોની સમસ્યાઓ જાણવા માટે એક બેઠક યોજવા માટે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે.
આ પણ વાંચો – રાષ્ટ્રપતિ દ્રોમર્દી મુર્મૂએ નેપાળને ગણાવ્યું ભારતની પ્રાથમિકતા, બન્ને દેશો વચ્ચે થઇ 7 સમજુતી
આ મહિને વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવાની છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી એકતાને લઈને 12 જૂન 2023ના રોજ પટનામાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ હાજરી આપવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉદ્ધવ ઠાકરે હાલ વિદેશ પ્રવાસ પર છે. શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ સમાન વિચારધારાવાળી પાર્ટીઓ એક સાથે આવી રહી છે અને તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં શરદ પવારની મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.





