મનોજ દત્તાત્રેય મોરે | NCP vs NCP : લોકસભા ચૂંટણી 2024 માં પવાર અને પવાર વચ્ચે જંગ થવાની છે. અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના જૂથે મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. અજીત જૂથના આ દાવા બાદ ત્રણ વખત સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા સામે આવી છે. સુલેએ કહ્યું કે, તે આ પડકાર માટે તૈયાર છે, તે આ સીટ પરથી કોઈપણ સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. બારામતી બેઠક પવાર પરિવારનો પરંપરાગત ગઢ રહી છે.
શનિવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, ‘આ લોકશાહી છે અને તેમની મહાયુતિ મારી સામે ઉમેદવાર ઉતારવા જઈ રહી છે. અજિત પવારે એનસીપીના કર્જત સત્રમાં આ જાહેરાત કર્યાના એક દિવસ બાદ સુલેએ આ વાત કરી હતી.
કેમ તેમની સામે અજીત પવારે ઉમેદવાર ઊભો કરવાનો નિર્ણય કર્યો. આ પ્રશ્નના જવાબમાં સુલેએ કહ્યું, “હું આનો જવાબ આપી શકતી નથી… તમે તેને આ વિશે પૂછી શકો છો.” આ તેમનો નિર્ણય છે… મને આશ્ચર્ય નથી… હું મારા વિરોધીઓ વિશે નથી વિચારતી, હું મારા કામ વિશે વિચારું છું.
અજિત પવારની પત્ની સુનેત્રાને બારામતીમાંથી મેદાનમાં ઉતારવામાં આવશે તેવી અટકળો વચ્ચે સુલેએ કહ્યું કે, તેઓ સન્માનજનક લડાઈ માટે તૈયાર છે. તેણીએ કહ્યું, ‘મને ખબર નથી કે, તે મારી સામે ચૂંટણી લડશે કે નહીં… હું લોકશાહીમાં માનું છું. સન્માનજનક લડાઈ હોવી જોઈએ.
સુલેએ કહ્યું કે, તેઓ તેમના ભાઈ (અજિત પવાર) ના નિર્ણયથી આશ્ચર્યચકિત નથી. સુલેએ કહ્યું કે, જ્યારે શરદ પવારે પણ આ વિશે સાંભળ્યું તો તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આમાં પ્રતિક્રિયા આપવાનું શું છે? આખરે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ. લોકો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. હું લોકશાહીનું સન્માન કરું છું. આ હું ખરેખર કહેવા માંગુ છું. સુપ્રિયાએ વધુમાં કહ્યું હતું કે, અજીત જૂથની જાહેરાત બાદ તેમની છાવણીમાં કોઈ ગભરાટ નથી.
લોકસભામાં મહારાષ્ટ્રને લગતા અનેક મુદ્દાઓ વારંવાર ઉઠાવનાર સુલેએ કહ્યું કે, હું લોકશાહીનું સન્માન કરું છું. હું લોકોની સેવા કરવા અને તેમના હિતમાં અને તેમના કલ્યાણ માટે નીતિઓ બનાવવા માટે રાજકારણમાં છું… હું 53 વર્ષની પરિપક્વ રાજકારણી છું… હું સંસદમાં ટોપર રહી છું.
આ દરમિયાન, અજિત પવાર કેમ્પના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓએ સુલેને બારામતીમાંથી હટાવવાની વિગતવાર યોજના તૈયાર કરી છે. એનસીપીના એક નેતાએ કહ્યું, ‘બારામતીમાં વિજય અજિત પવારની ક્ષમતા સાબિત કરશે, જેમને 2024 ની ચૂંટણી પછી મુખ્યમંત્રી બનવાની તક છે. અજિત પવારનું હવે એકમાત્ર સપનું મુખ્ય પ્રધાન બનવાનું છે. તેઓ 20 વર્ષથી નાયબ મુખ્યમંત્રી રહીને થાકી ગયા છે. તેમના રાજકીય ફાયદા માટે તેમની બહેનને હરાવવાથી તેમને કોઈ વાંધો નથી.
સુલે 2009 થી સતત ત્રણ વખત બારામતી બેઠક પરથી જીતી ચૂકી છે. 2014 સિવાય જ્યારે મહાદેવ જાનકરે તેને શરૂઆતના તબક્કામાં સખત સ્પર્ધા આપી. બારામતી લોકસભા બેઠક તેમના પિતા શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે માટે છોડી દીધી હતી. શરદ પવાર, અજિત પવાર અને સુપ્રિયા સુલે અત્યાર સુધી બારામતીમાંથી ક્યારેય હાર્યા નથી.