શુભાંગી ખાપરે : અજિત પવારના લાંબા સમયના વિશ્વાસુ 68 વર્ષીય સુનિલ તટકરે એકાએક ચર્ચામાં આવી ગયા છે કારણ કે નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમને નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના મહારાષ્ટ્રના પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા. આ જાહેરાત એવા દિવસે કરવામાં આવી છે જ્યારે એનસીપીના વડા શરદ પવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પવારના નજીકના મનાતા નેતા તટકરે અને પ્રફુલ્લ પટેલને હાંકી કાઢવાની જાહેરાત કરી હતી.
અન્ય પછાત વર્ગો (ઓબીસી) સમુદાયના પક્ષના ટોચના નેતાઓમાંના એક એવા તટકરેની નિમણૂક અને હકાલપટ્ટી – પવારે તેમને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યાના એક મહિના પછી આવી છે. પરંતુ એક મહિના કરતા પણ ઓછા સમયમાં રાજ્યની રાજકીય ભૂગોળ બદલાઈ ગઈ છે. આ જાહેરાત બાદ તટકરેએ જણાવ્યું હતું કે મને ખુશી છે કે પાર્ટીએ મારી ક્ષમતા પર વિશ્વાસ મૂક્યો છે. હું મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ.
તટકરેની પુત્રી અદિતિ એનસીપીના નવ નેતાઓમાં સામેલ છે જેમણે રવિવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવારના સિંચાઈ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સિંચાઈ યોજનાઓમાં કથિત ગેરરીતિઓના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) તટકરેની તપાસ કરી રહી છે. એસીબીએ 2017માં જે ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં તટકરેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે આરોપી તરીકે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાદમાં એક અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પણ આ જ કેસના સંબંધમાં તટકરે સામે 2012માં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો – જે સુનીલ તટકરેને શરદ પવારે એનસીપીમાંથી બહાર કર્યા, અજિત પવાર જુથે તેને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા
તટકરેને પાર્ટીએ 2014માં રાયગઢથી લોકસભાની ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા હતા. તેઓ શિવસેનાના વર્તમાન સાંસદ અનંત ગીતે સામે હારી ગયા હતા. આ દરમિયાન તેમની વિધાનસભા બેઠક તેમના ભત્રીજા અવધૂત પાસે ગઈ હતી. પાંચ વર્ષ બાદ તટકરેએ ફરીથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ વખતે તેઓ ગીતેને હરાવવામાં સફળ રહ્યા. આ દરમિયાન તેમની પુત્રી અદિતિએ સફળતાપૂર્વક શ્રીવર્ધન બેઠક જાળવી રાખી હતી.
તેમણે તાજેતરની વાતચીતમાં જણાવ્યું હતું કે મારું હૃદય મહારાષ્ટ્રના રાજકારણમાં છે, મને ખરેખર દિલ્હીનું રાજકારણ ગમતું નથી. તેમની સાથે રાજકીય મતભેદો ધરાવતા લોકો પણ કહે છે કે તે નમ્રતાપૂર્વક પોતાની વાત રજૂ કરે છે અને ઘમંડી નથી.
સુનીલ તટકરેએ પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં વિજ્ઞાનની ડિગ્રી પૂર્ણ કરી હતી અને 1980ના દાયકામાં ચૂંટણીના રાજકારણમાં પ્રવેશતા પહેલા સરકારી રોડના કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું હતું. 1980માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર રાયગઢના શ્રીવર્ધન મતવિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમણે 2014 સુધી આ મત વિસ્તાર જાળવી રાખ્યો હતો.
1999માં જ્યારે શરદ પવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને એનસીપીની રચના કરી ત્યારે તટકરે નવી જ શરૂ થયેલી પાર્ટીમાં ચાલ્યા ગયા હતા. તેમણે 1999થી 2003 સુધી શહેરી વિકાસ અને બંદરોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં જળ સંસાધન અને નાણાં જેવા મહત્વપૂર્ણ વિભાગો પણ સંભાળ્યા હતા. 2004માં તેમને ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ચાર વર્ષ પછી ઉર્જા પ્રધાન બન્યા હતા.
પૃથ્વીરાજ ચવ્હાણના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તટકરેએ નવેમ્બર 2010થી સપ્ટેમ્બર 2014 દરમિયાન જળ સંસાધન મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે નવેમ્બર 2009 થી નવેમ્બર 2010 દરમિયાન ફાઇનાન્સ અને પ્લાનિંગ પોર્ટફોલિયો પણ રાખ્યો હતો. એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે તટકરેનો અગાઉનો કાર્યકાળ ફેબ્રુઆરી 2015થી એપ્રિલ 2018 સુધી રહ્યો હતો.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો