Maharashtra Politics Updates: મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ દિવસેને દિવસે બદલાઇ રહ્યો છે. NCP સુપ્રીમો શરદ પવારે એક મોટો નિર્ણય લેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. બીજી તરફ અજિત પવાર જૂથે પણ મોટો નિર્ણય લઈને સંગઠનમાં ફેરફાર કર્યા છે. ફેરફાર અંગે માહિતી આપતા પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે અમે જયંત પાટીલને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ સુનિલ તટકરેને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને લગતા નિર્ણયો સુનીલ તટકરે લેશે.
પત્રકાર પરિષદમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે અમે જયંત પાટીલને પદ પરથી હટાવવાની માહિતી આપી છે અને પાર્ટીમાં જે ફેરફારો થવાના હતા તે કરી દીધા છે. પ્રફુલ્લ પટેલે એમ પણ કહ્યું કે અજિત પવારના નેતૃત્વમાં એક નવી શરૂઆત થઈ રહી છે અને અમે સીએમ એકનાથ શિંદેની સાથે છીએ.
અજિત પવાર એકનાથ શિંદે સરકારમાં સામેલ થયા પછી સોમવારે એનસીપીને અનુશાસન સમિતિએ પ્રસ્તાવ પાસ કર્યો છે. જેમાં અજિત પવાર સહિત શપથગ્રહણમાં સામેલ બધા 9 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.
આ પણ વાંચો – અજિત પવારના બળવા બાદ વિપક્ષનો પ્રહાર, ‘ભાજપના વોશિંગ મશીને ફરી શરૂ કરી દીધું તેનું કામ
અજિત પવારની સાથે રવિવારે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવારના સમર્થનમાં અત્યાર સુધી સુનીલ શેલ્કે, દિલીપ મોહિતે, દિલીપ બાંકર, માણિકરાવ કોકાટે, નીતિન પવાર, ચંદ્રકાંત નવઘરે, રાજેન્દ્ર કારેમોરે, મનોહર ચંદ્રિકાપુરે, રાજેશ નરસિંગ પાટીલ, ઈન્દ્રનીલ નાઈક, છગન ભુજબળ, શેખર નિકમ, પ્રકાશ દીપ સોલકે, સંગ્રામ જગતાપ, ચેતન ટુપે, અન્ના બન્સોડે, નરહરી ઝિરવાલ, સરોજ આહિર, અદિતિ તટકરે, અતુલ બેનકે, દિલીપ વાલસે પાટીલ, સંજય બંસોડ, અનિલ પાટીલ, હસન મુશ્રીફાસ ધર્મરાવ આત્રામ અને ધનંજય મુંડે જેવા નેતાઓ આવ્યા છે. એટલું જ નહીં અજિત પવાર સાથે ઘણા સાંસદો પણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ પણ અજિત પવાર સાથે છે.
આ સિવાય શરદ પવારના સમર્થનમાં રોહિત પવાર, બાળાસાહેબ પાટીલ, અનિલ દેશમુખ, જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, પ્રાજક્ત તાનપુરે અને સુનીલ ભુસારાના નામ આગળ આવ્યા છે. આ સિવાય ઘણા એવા ધારાસભ્યો છે, જેમણે પોતાના પત્તા ખોલ્યા નથી. બાલાસાહેબ અઝબે, રાજેન્દ્ર શિંગણે, આશુતોષ કાલે અને નવાબ મલિક અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. સૂત્રોનું કહેવું છે કે અજિત પવાર વતી તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.