Sharad Pawar : ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુટીટી)એ મોટો દાવો કર્યો છે. ઠાકરે જૂથે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને તોડવા માંગતી હતી જેવી રીતે ભાજપે શિવસેનાને તોડી હતી. પરંતુ શરદ પવારના માસ્ટરસ્ટ્રોકે સમગ્ર ગેમ પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. સોમવારે પક્ષના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં શિવસેના (યુબીટી)એ જણાવ્યું હતું કે ભાજપે શિવસેનાને વિભાજિત કરી દીધી છે. એ જ રીતે ભાજપ એનસીપીને પણ બે ભાગમાં વહેંચવાની યોજના બનાવી રહી હતી. કેટલાક લોકો બેગ સાથે તૈયાર હતા અને ત્યાં પહોંચેલા લોકો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી હતી. જોકે શરદ પવારના માસ્ટરસ્ટ્રોકથી ભાજપનું સમગ્ર આયોજન ડસ્ટબિનમાં જતું રહ્યું હતું.
એનસીપીનો એક વર્ગ ઈચ્છતો હતો કે શરદ પવાર ભાજપ સાથે હાથ મિલાવે
સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે એનસીપીનો એક વર્ગ ઇચ્છતો હતો કે શરદ પવાર ભાજપ સાથે હાથ મિલાવે. કારણ કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને આવકવેરા વિભાગની કાર્યવાહીથી બચવા માગતા હતા. જોકે રાજીનામાની જાહેરાત બાદ પવારે એનસીપી અધ્યક્ષ પદ પર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં જે ક્ષણે તેમણે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રની રાજનીતિમાં આંચકો લાગ્યો હતો. પક્ષના કાર્યકરોએ તેમના પર રાજીનામું પાછું ખેંચવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો – શરદ પવાર એનસીપી અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે, રાજીનામું પાછું ખેંચ્યુ, કહ્યું – કાર્યકરોની ભાવવાનું અપમાન કરી શકું નહીં
સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે એનસીપીના કાર્યકરો અને નેતાઓના દબાણને પગલે પવારે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. એમાંથી ઘણા લોકો એવો આગ્રહ રાખતા હતા કે એનસીપી ભાજપ સાથે હાથ મિલાવે, પરંતુ પક્ષના કાર્યકરોના ગુસ્સાને કારણે સમિતિ પાસે શરદ પવારનું પક્ષપ્રમુખપદેથી રાજીનામું નામંજૂર કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. સમિતિએ પવારને કહેવું પડ્યું હતું કે હવેથી ફક્ત તેઓ અને તેઓ જ પ્રમુખ તરીકે ચાલુ રહેશે. પવારની વાપસીથી તેમની પાર્ટીમાં ચેતના આવી અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી દળોના ગઠબંધને પણ રાહતનો શ્વાસ લીધો હતો.
પવાર પાસે અધ્યક્ષ બન્યા રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો
સંપાદકીયમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે પવાર પાસે અધ્યક્ષ પદ પર બન્યા રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આ પ્રસંગે પવારને એ સમજવામાં મદદ કરી કે તેમની પાર્ટી ક્યાં જઈ રહી છે. પવારે કહ્યું કે જે લોકો એનસીપી છોડવા માંગે છે તેઓ આવું કરી શકે છે અને તેઓ તેમને રોકશે નહીં. આનો અર્થ એ થયો કે જેમને જવું હતું તેમને ઓછામાં ઓછું હંગામી ધોરણે તેમના માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જોકે ભાજપની રહેવાની અને જમવાની સુવિધા હજુ પણ યથાવત છે. “
આરોપ છે કે ભાજપ લોકતાંત્રિક માધ્યમથી ચૂંટણી જીતવામાં વિશ્વાસ રાખતી નથી. તેમનામાં પોતાના દમ પર ચૂંટણી જીતવાની ક્ષમતા નથી. તે ઇડી, સીબીઆઇ અને આવકવેરા વિભાગનો ઉપયોગ કરીને પોતાની રાજકીય રમત રમવા માંગે છે.