Maharastra Crime : મહારાષ્ટ્રના પુણેમાં એકતરફી પ્રેમીએ બાળપણની તેની મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. પુણે ગ્રામીણ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, દર્શના પવારની હત્યાના મુખ્ય શંકાસ્પદ, 28 વર્ષીય રાહુલ દત્તાત્રય હંડોરે કથિત રીતે તેણીની હત્યા કરી હતી કારણ કે, તેણીએ તેના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું કે, હંડોરની બુધવારે મોડી રાત્રે મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
દર્શનાનું RFO માં થયું હતુ સિલેક્શન
દર્શનાએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર ફોરેસ્ટ સર્વિસ માટે ક્વોલિફાય કર્યું હતું અને રવિવારે તેનો મૃતદેહ પૂણેના એક લોકપ્રિય પર્યટન અને ટ્રેકિંગ સ્થળ રાજગઢ કિલ્લામાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણી બધી ઇજાઓ હતી અને તેનો મૃતદેહ કિલ્લાના તળેટીમાં આંશિક રીતે સડી ગયેલો મળી આવ્યો હતો.
બાળપણથી એક બીજાને ઓળખતા હતા
પૂણેના પોલીસ અધિક્ષક અંકિત ગોયલે જણાવ્યું હતું કે, “પીડિતા અને આરોપી બાળપણથી એકબીજાને ઓળખતા હતા કારણ કે તેનું ઘર દર્શનાના મામાના ઘરની સામે છે. તેઓ પૂણેમાં પણ સંપર્કમાં હતા, જ્યારે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિવિલ સર્વિસીસ માટે અભ્યાસ કરી રહ્યા હતા અને તૈયારી કરી રહ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ, એવું લાગે છે કે, રાહુલે હત્યા કરી હતી કારણ કે દર્શનાએ તેના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.”
કેવી રીતે હત્યારો ઝડપાયો?
ગોયલે કહ્યું, “વિવિધ સ્ત્રોતો દ્વારા અમને આપવામાં આવેલ સંજોગોના પુરાવા અને માહિતી પરથી, હન્ડોર મુખ્ય શંકાસ્પદ બન્યો, જે ઘટનાસ્થળેથી ભાગી ગયો અને પછી સંપર્થી દુર થઈ ગયો. અમે તેના લોકેશનને ટ્રેક કરી રહ્યા હતા અને, તે પશ્ચિમ બંગાળ અને દિલ્હીની યાત્રા કરી ચૂક્યો છે. આખરે બુધવારે મોડી રાત્રે અમે તેને મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પરથી પકડી લીધો. તેણે ગુનો કબૂલી લીધો છે”.
આરોપી સાયન્સનો સ્નાતક
હંડોર નાસિક જિલ્લાના સિન્નર તાલુકાનો છે અને તે સાયન્સનો સ્નાતક છે, જે પુણેમાં સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યો હતો. તે પુણેના કર્વે નગરમાં હિંગે હોમ કોલોનીમાં રોકાયો હતો.
દર્શનાનું અંતિમ ભાષણ થયું વાયરલ
અહમદનગરમાં સુગર મિલના ડ્રાઇવરની પુત્રી દર્શનાએ તાજેતરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ની પોસ્ટ માટે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી છે. સિવિલ સર્વિસ કોચિંગ એકેડમી દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા તે 9 જૂને પુણે ગઈ હતી. આ કાર્યક્રમમાં દર્શનાનું ભાષણ પછીથી વાયરલ થયું હતું.
ગયા અઠવાડિયે તેમના પરિવારોએ નોંધાવેલી અલગ-અલગ પોલીસ ફરિયાદમાં દર્શના અને હંડોર બંને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, વિગતવાર પૂછપરછમાં હત્યા પાછળનો સાચો હેતુ અને ઘટનાક્રમનો ખુલાસો કરવામાં આવશે.





