Shiv Sena controversy : સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગુરુવારે (11 મે) શિવસેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે જૂન 2022માં તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરવા બદલ એકનાથ શિંદે અને અન્ય 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ કે, કેમ તે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, મહારાષ્ટ્રનો મુદ્દો મોટી બેંચ પાસે જશે.
સુપ્રીમ કોર્ટ તરફથી ઠાકરે જૂથને આંચકો
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી વાઈ ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બંધારણીય બેંચે આ ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકરે વાસ્તવિક વ્હીપની તપાસ કરી નથી, સ્પીકરે પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા વ્હીપને જ સ્વીકારવો જોઈતો હતો. કોર્ટે કહ્યું કે, સ્પીકરે સાચો વ્હીપ જાણવાનો પ્રયાસ કર્યો નથી. સ્પીકરને બે જૂથોની રચનાની જાણ હતી. ખંડપીઠે કહ્યું કે, ગોગાવલેને મુખ્ય દંડક માનવાનો શિંદે જૂથનો નિર્ણય ખોટો હતો. મહારાષ્ટ્રમાં વ્હીપને પક્ષથી અલગ કરી દીધો.
મહારાષ્ટ્ર વિવાદ પર CJI ચંદ્રચુડે શું કહ્યું?
આ મામલાની સુનાવણી કરતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે, આંતરિક વિવાદને ઉકેલવા માટે ફ્લોર ટેસ્ટ યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે, આંતરિક વિવાદ વિશ્વાસ મતનો આધાર ન હોઈ શકે અને રાજ્યપાલ માટે તેને ઉકેલવા માટે દરમિયાનગીરી કરવી યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર CJI DY ચંદ્રચુડે કહ્યું કે, ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડ્યો નથી. તેમણે કહ્યું, “ઉદ્ધવનું રાજીનામું રદ કરી શકાય નહીં. જો ઉદ્ધવે રાજીનામું ન આપ્યું હોત તો રાહત મળી શકી હોત.
કોર્ટે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રમાં યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલે શિવસેનાના ધારાસભ્યોના જૂથના પ્રસ્તાવ પર આધાર રાખ્યો હતો અને તે તારણ કાઢ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ બહુમતી ધારાસભ્યોનું સમર્થન ગુમાવ્યું છે.
આ બેચમાં શિંદે અને ઠાકરેના જૂથના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર દાખલ કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે. પહેલી અરજી સીએમ એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં જૂન 2022માં પક્ષપલટાને લઈને બંધારણની દસમી સૂચિ હેઠળ બળવાખોરો સામે તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે કોઈ ટીસ જાહેર કરી ન હતી. બાદમાં, ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલના વિશ્વાસ મત માટેના નિર્ણય, ભાજપ દ્વારા સમર્થિત સરકારના મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના શપથ ગ્રહણ અને નવા સ્પીકરની ચૂંટણીને પડકારી હતી.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો, જેના કારણે એમવીએ સરકાર પડી ભાંગી. આ પછી, શિંદે જૂથે ભાજપ સાથે મળીને સરકાર બનાવી. આ જોડાણને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બળવો કરનાર ઠાકરે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમના ચૂકાદા બાદ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેની સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઉદ્ધવે કહ્યું કે મેં જે લોકોને સમર્થન આપ્યું, તેમણે જ મને દગો આપ્યો. હું વિશ્વાસઘાતી લોકો સાથે સરકાર ચલાવી શકતો ન હતો, તેથી મેં નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું. જો આ સરકારમાં કોઈ નૈતિકતા હોય તો કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.