Mahua Moitra Phone Hacking Claim : ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ દાવો કર્યો છે કે, એપલે તેમને એક સંદેશ મોકલીને ચેતવણી આપી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરી રહી છે. કેશ ફોર ક્વેરી કેસમાં સામેલ ટીએમસી સાંસદે X પરની એક પોસ્ટમાં આ દાવો કર્યો છે. જ્યાં મહુઆ મોઇત્રાએ લખ્યું કે, મને એપલ તરફથી ચેતવણીનો સંદેશ અને ઈમેલ મળ્યો છે કે સરકાર મારો ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે, મને સરકારના ડર પર દયા આવી રહી છે.
તેમણે લખ્યું કે તેમના સિવાય અન્ય નેતાઓને પણ આવો સંદેશ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહુઆ મોઇત્રા ઉપરાંત શિવસેના (UBT) ના પ્રિયંકા ચતુર્વેદી, AAP ના રાઘવ ચઢ્ઢા, CPI(M) ના મહાસચિવ અને પૂર્વ સાંસદ સીતારામ યેચુરી, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેડા અને ધ વાયર ન્યૂઝ વેબસાઇટના સ્થાપક પણ સામેલ છે જેમને એપલ દ્વારા ચેતવણી પ્રાપ્ત થઈ છે.
એપલના મેસેજમાં શું લખ્યું છે?
મહુઆ મોઈત્રાએ એક્સ પર દાવો કર્યો છે કે, પોસ્ટના સ્ક્રીનશૉટ્સમાં જોઈ શકાય છે કે, એપલ તરફથી આ મેસેજ મળ્યો છે, જેમાં લખ્યું છે કે, એપ્પલનું માનવું છે કે, તમને રાજ્ય પ્રાયોજિત હમલાવર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે તમને Apple ID સાથે સંકળાયેલ iPhone ને દુરસ્ત રીતે ખતરામાં નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મેસેજમાં વધુમાં લખ્યું છે કે, આ ચેતવણીને ગંભીરતાથી લો.
શું કહે છે વિપક્ષી નેતા?
આ ચેતવણી આ તમામ નેતાઓને 30મી ઓક્ટોબરે રાત્રે 11:45 કલાકે તેમના મોબાઈલ પર એક સાથે પહોંચાડવામાં આવી હતી. આ મામલાને લઈને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગૃહમંત્રીને ટ્વીટ કર્યું અને લખ્યું, “આશ્ચર્ય છે કે આ કોણ છે? શરમ આવવી જોઈએ.” કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વીટ કર્યું, “પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરો છો?
શું આ ચેતવણી ગંભીર છે?
ન્યૂઝ વેબસાઈટ ધ વાયર સાથે વાત કરતા, ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (આઈએફએફ) ના સ્થાપક નિર્દેશક અપાર ગુપ્તા કહે છે કે, એપલ તરફથી ધમકીની ગુપ્ત માહિતીના અહેવાલોને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે.
આ પણ વાંચો – દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ : અરવિંદ કેજરીવાલને EDની નોટિસ, 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા
IFF નીતિ નિર્દેશક પ્રતિક વાઘરેએ ધ વાયરને જણાવ્યું હતું કે, ભારતીયો – ખાસ કરીને પત્રકારો, સાંસદો અને બંધારણીય અધિકારીઓ – પણ ભૂતકાળમાં પેગાસસ દ્વારા કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે, જે આપણી લોકશાહી માટે ઊંડી ચિંતાનો વિષય છે.