Maldives Government : માલદીવ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પીએમ નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને માલદીવ સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, તેમના તરફથી ભારતની સંસ્કૃતિ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હવે માલદીવ સરકારે તે નિવેદનોથી પોતાને દૂર કરી લીધા હતા અને હવે તેણે પોતાના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા ત્રણ મંત્રીઓમાં મરિયમ શિઉના, માલશા શરીફ અને હસન જિહાન છે.
માલદીવની સરકારે આધિકારિક નિવેદનમાં કહ્યું હતું કે માલદીવની સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશી નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે. આ મંતવ્યો વ્યક્તિગત છે અને માલદીવની સરકારના આ મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી.
માલદીવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકશાહી અને જવાબદારીપૂર્વક થવો જોઈએ અને એવી રીતે કે જેનાથી નફરત, નકારાત્મકતા ફેલાય નહીં અને માલદીવ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે ગાઢ સંબંધોને અવરોધે નહીં. આ ઉપરાંત સરકારના સંબંધિત સત્તાવાળાઓએ આવી અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે પગલાં લેવામાં અચકાવું ન જોઈએ.
આ પણ વાંચો – ઈઝરાયલનો ઉત્તર ગાઝામાં ભયંકર હુમલો, કમાન્ડ સેન્ટર નષ્ટ કર્યા બાદ હવે હમાસના આ ઠેકાણાં પર નજર
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે પણ આ માટે પોતાની જ સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે માલદીવનાં મંત્રી મરિયમ શિઉનાએ એક પ્રમુખ સહયોગી નેતા પ્રત્યે કેટલી ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. તે નેતા જે માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ મહત્ત્વ રાખે છે. મોહમ્મદ મુઇજ્જુ સરકારે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવી જોઈએ અને ભારતને ખાતરી આપવી જોઈએ કે તેમના નિવેદનો સરકારની નીતિને દર્શાવતા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પછી પાડોશી દેશ માલદીવમાં હોબાળો મચી ગયો હતો અને ત્યાંના એક મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. માલદીવના યુવા સશક્તિકરણ, સૂચના અને કલાના ઉપ મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની તસવીરો પર ટિપ્પણી કરી હતી અને તેમને ‘જોકર’ અને ‘ઇઝરાયેલની કઠપૂતળી’ ગણાવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સત્તામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-માલદીવના સંબંધો તંગ બન્યા છે.





