Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશાની મુલાકાતે છે. મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે અહીં ‘ઓડિશા બચાવો સમાવેશ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક છે. 2024 પછી દેશમાં ચૂંટણી નહીં થાય. ખડગેએ કહ્યું કે આ પછી અહીં રશિયાના રાષ્ટ્રપતિની જેમ ચૂંટણી થશે.
કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે મિત્રતાથી નવીન પટનાયકને શું મળ્યું? ડબલ એન્જિન ઘણી વખત ફેઇલ થાય છે. જ્યારે ડબલ એન્જિન યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે પ્રથમ એન્જિન પણ નિષ્ફળ જાય છે. રાહુલ ગાંધી દેશને એક કરવા માગે છે. તેઓએ ‘મોહબ્બત કી દુકાન’ ખોલી છે પરંતુ ભાજપ અને આરએસએસએ નફરતની દુકાન ખોલી છે. આ કારણે તમારે સતર્ક રહેવાની જરૂર છે.
મોદી સત્તામાં આવશે તો સરમુખત્યારશાહી થશેઃ કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે ભાજપ અને આરએસએસ ઝેર છે, તેઓ આપણને અમારા અધિકારોથી વંચિત કરી રહ્યા છે. ખડગેએ ભુવનેશ્વરમાં એક જનસભામાં કહ્યું કે જો લોકસભા ચૂંટણી બાદ મોદી સત્તામાં આવશે તો તાનાશાહી થશે, લોકતંત્ર નહીં હોય અને ચૂંટણી પણ નહીં થાય. નીતિશ કુમારના એનડીએમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને કહ્યું કે એક વ્યક્તિના છોડી દેવાથી મહાગઠબંધન નબળું નહીં પડે, અમે ભાજપને હરાવીશું.
આ પણ વાંચો – રાજ્યસભા ચૂંટણી : ગુજરાતની 4 સહિત 56 રાજ્યસભા સીટો પર 27 ફેબ્રુઆરીએ મતદાન
ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા શરત પટનાયકે જણાવ્યું હતું કે ઓડિશાની તેમની પ્રથમ મુલાકાત પર ગામ, બ્લોક અને બૂથ સ્તરના લોકો કોંગ્રેસ અધ્યક્ષની રેલીમાં ભાગ લેશે. કોંગ્રેસ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ ખડગેની ઓડિશાની આ પહેલી મુલાકાત હશે. પોતાની ઓડિશા યાત્રા દરમિયાન ખડગે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ઓડિશા ચરણની પણ સમીક્ષા કરશે, જે 14 ફેબ્રુઆરીએ રાજ્યમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. ખડગે ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓને પણ મળશે.
ધ્યાન ભટકાવવા માટે ડ્રામા સર્જાયોઃ મલ્લિકાર્જુન ખડગે
આ પહેલા રવિવારે નીતિશ કુમારના ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર થઈને એનડીએમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે પ્રધાનમંત્રી અને ભાજપ ‘ભારત જોડો ન્યાય યાત્રા’થી ડરે છે, તેનાથી ધ્યાન ભટકાવવા માટે રાજનીતિક નાટક બનાવવામાં આવ્યું છે. નીતિશ કુમારના રાજીનામા પર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવે આ અંગે સંકેત આપ્યા હતા અને આજે તે વાત સાચી પડી છે. આવા દેશમાં ઘણા બધા લોકો છે જે આયા રામ ગયા રામ છે. અમને આ વાતની પહેલેથી જ ખબર હતી, પરંતુ જો આપણે ઇન્ડિયા ગઠબંધનને જીવંત રાખવા માટે કંઈક ખોટું બોલીશું તો તેનાથી ખોટો સંદેશ જશે.