NRC : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે એનઆરસી લાવવા માટે પશ્ચિમ બંગાળમાં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટાભાગના મતુઆ સમુદાયના લોકોના આધારકાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે.
લોહી આપી દઇશું પણ એનઆરસી લાગુ નહીં કરીએ: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે હું ભાજપને પૂછવા માંગુ છું કે, તેઓ આ ગંદી રમત કેમ રમી રહ્યા છે? તેઓ લોકોના લોકશાહી અધિકારો, લાભાર્થીઓના અધિકારો છીનવી રહ્યા છે. અમે બંગાળમાં એનઆરસી લાગુ કરવાના નથી. યાદ રાખો અમે અમારું લોહી આપવા માટે તૈયાર છીએ પરંતુ અમે પશ્ચિમ બંગાળમાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કરવા જઇ રહ્યા નથી.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જે લોકોના નામ કપાઈ રહ્યા છે તેમને અમે અલગ કાર્ડ આપીશું અને અમે કોઈ પણ ગરીબ સાથે કોઈ ખોટું થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે અમે ‘AadhaarGrievance Portal of West Bengal Government’ નામનું એક પોર્ટલ તૈયાર કર્યું છે. જેમના આધાર કાર્ડ નિષ્ક્રીય કરવામાં આવ્યા છે તેમણે અમને વહેલામાં વહેલી તકે જાણ કરવી જોઈએ જેથી તેઓ તેમના લોકશાહી, સામાજિક અને આર્થિક અધિકારોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે.
આ પણ વાંચો – શું ફારૂક અબ્દુલ્લા રાત્રે પીએમ મોદી, અમિત શાહને મળવાનો પ્રયાસ કરે છે? એનસી ચીફે કર્યો આ ખુલાસો
મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર
મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી સમુદાયોને નિશાન બનાવીને આધાર કાર્ડની બેદરકારીથી નિષ્ક્રિય કરવાની ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. આપણે બધા ભારતના નાગરિક છીએ અને દરેક નાગરિક પશ્ચિમ બંગાળ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે છે, પછી ભલે તેમની પાસે આધાર કાર્ડ હોય કે ન હોય.
બંગાળ ભાજપના અધ્યક્ષ ડો. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાને લઈને કેટલીક સમસ્યાઓ જોવા મળી હતી. આ સંદર્ભે હું આજે કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યો હતો. ટેકનિકલી ખામીને કારણે આ નિષ્ક્રિયતા થઈ હતી અને રાજ્યમાં લગભગ 54,000 લોકોના આધારકાર્ડ નિષ્ક્રિય થઇ ગયા હતા.