Ayodhya Ram Mandir : લોકસભા ચૂંટણી 2024 પહેલા યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દ્વારા ભાજપ અન્ય વિરોધ પક્ષો પર મનોવૈજ્ઞાનિક લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિ બનાવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસ માટે એક મોટો પ્લાન બનાવ્યો છે. મમતા બેનર્જીએ પોતે આ અંગે માહિતી આપી હતી.
મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું 22 જાન્યુઆરીએ એક રેલી કાઢીશ. તેની શરૂઆત કાલી મંદિરથી થશે. અહીં હું મા કાલીની પૂજા કરીશ. આ પછી અમે હઝારાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક સદ્ભાવ રેલી કાઢીશું. આ સમય દરમિયાન અમે રસ્તામાં આવતા મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓને આવરી લઈશું. આ રેલીમાં દરેક વ્યક્તિ સામેલ થઈ શકે છે. તે જ દિવસે મારા પક્ષના સભ્યો બપોરે 3 વાગ્યે દરેક જિલ્લાના દરેક બ્લોકમાં એક રેલી કાઢશે.
મમતા બેનર્જીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય ધાર્મિક ક્રિયાક્રમ પુજારીઓનું કામ છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ અમારું કામ નથી, આ સાધુઓનું કામ છે. અમારું કામ પાયાની સુવિધાઓને મજબૂત કરવાનું છે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : અડવાણીની રથયાત્રામાં સામેલ થવા માંગતા ન હતા અટલ બિહારી વાજપેયી
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામ મંદિર ટ્ર્સ્ટના મતે 12.20 મિનિટ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત થશે. પીએમ નરેન્દ્ર મોદીને આ માટે મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે.





