Manipur News Updates : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શુક્રવારે જાહેરાત કરી કે તે સીએમ પદેથી રાજીનામું આપશે નહીં. પહેલા એવી અટકળો હતી કે કે મુખ્યમંત્રીનું પદ છોડી શકે છે પણ હવે તેમણે રાજીનામું નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં ભારે હંગામો કર્યો અને તે તેમના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા.
બિરેન સિંહ 20 ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા જઈ રહ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. જેમણે તેમને ત્યાં જ રોક્યા હતા. આ પછી તેમણે સીએમ પદેથી રાજીનામું ન આપવાનો નિર્ણય કર્યો હતો અને ટોળાએ તેમનું રાજીનામું પણ ફાડી નાખ્યું હતું.
મુખ્યમંત્રી સચિવાલય અને રાજભવનથી લગભગ 100 મીટરના અંતરે આવેલા નુપી લાલ કોમ્પ્લેક્સમાં સેંકડો મહિલાઓ એકઠી થઈ હતી અને બિરેન સિંહને રાજીનામું ન આપવાની વિનંતી કરી હતી.
બિરેન સિંહ બપોરે 2.20 વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળ્યા હતા કારણ કે તેઓ બપોરે 3 વાગ્યે રાજ્યપાલ અનુસુયા ઉલ્કે સાથે મુલાકાત કરવાના હતા. તેમની સાથે 20 ધારાસભ્યો પણ હતા. રાજ્યપાલને મળવા માટે જ્યારે તેઓ બધા સીએમ આવાસથી બહાર નીકળ્યા તો એક ટોળાએ તેમને ઘેરી લીધા. ત્યારબાદ તેમને પરત ફરવું પડ્યું. થોડા સમય બાદ પીડબલ્યુડી મંત્રી અને સરકારના કેટલાક અન્ય લોકો બહાર આવ્યા.
આ પણ વાંચો – નામો ભૂંસી નાખ્યા અને બદલાયા, ઘરો સળગ્યા: મણિપુરમાં કુકીઓ અને મેઇટી વચ્ચે વિભાજનની ‘ઊંડી ખાઈ’
જેમાંથી એક મંત્રી સુસિડ્રો મેટિટેઈએ મુખ્યમંત્રીનો રાજીનામાનો પત્ર વાંચીને ત્યાં હાજર મહિલાઓને સોંપ્યો હતો, જેમણે આ પત્ર ફાડી નાખ્યો હતો. સરકારના પ્રવક્તા અને મંત્રી સપમ રંજન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાછા આવ્યા બાદ અમે તેમને લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને રાજીનામા પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી સીએમને સમજાવ્યા બાદ કેટલાક મંત્રીઓ લોકોને જણાવવા માટે નીકળ્યા હતા કે તેઓ રાજીનામું ન આપવા માટે સંમત થયા છે.
બીજી તરફ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે રાહુલ ગાંધી બે દિવસના મણિપુરના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને મોઈરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીએ રાજ્યમાં સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે પણ મુલાકાત કરી હતી. મૈતેઈ અને કુકી સમુદાયના તણાવને કારણે હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ લગભગ 300થી વધુ રાહત શિબિરોમાં લગભગ 50 હજાર લોકો રહી રહ્યા છે. આ હિંસક ઘટનાઓમાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યા બાદ મણિપુરમાં વંશીય અથડામણો જોવા મળી હતી. જેણે પાછળથી હિંસાનું સ્વરૂપ લીધું હતું.





