UNLF signs peace agreement : મણિપુરમાં સૌથી મોટી શાંતિ સમજુતી પૂરી થઈ છે. યુએનએલએફે પોતાના હથિયાર હેઠા મુકીને મુખ્ય ધારામાં આવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં આ કરાર પર સહમતિ સધાઈ છે અને ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. તેમણે આ સમગ્ર સમજૂતીને એક નવો અધ્યાય ગણાવ્યો છે, રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ગણાવ્યો છે.
ઐતિહાસિક કરાર, તેનો અર્થ શું છે?
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે આજે થયેલા શાંતિ કરારથી 6 દાયકાથી ચાલી રહેલા સશસ્ત્ર આંદોલનનો અંત આવ્યો છે. પૂર્વોત્તરના યુવાઓને સારું અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે પીએમ મોદીનું જે વિઝન તે દિશામાં એક મોટું પગલું છે. ગૃહમંત્રીએ પોતાના ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે યુએનએલએફને મુખ્ય ધારામાં જોડાવા બદલ અભિનંદન. શાંતિના માર્ગે ચાલવા બદલ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આ પણ વાંચો – દુનિયાભરમાં જોવામાં આવ્યું શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન, આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?
યુએનએલએફ એ સૌથી જૂનું વિદ્રોહી સંગઠન છે
અહીં એ સમજવું મહત્વપૂર્ણ છે કે યુએનએલએફ એ સૌથી જૂનું વિદ્રોહી સંગઠન છે જેણે 1964માં સ્વતંત્ર મણિપુર માટે પોતાના આંદોલનની શરૂઆત કરી હતી. તે સંગઠન સક્રિય થયા પછી અન્ય ઘણા સંગઠનોએ પણ સમય જતાં માથું ઊંચકવાનું શરૂ કર્યું હતું. ઘણી જગ્યાએ તોફાનો થવા લાગ્યા, સ્થિતિ બેકાબૂ બની ગઈ. આ જ કારણે કેન્દ્ર સરકારે 1980માં મણિપુરમાં અફસ્પા લાગુ કરી દીધો હતો અને સમગ્ર રાજ્યને અશાંત જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ જ સૌથી જૂના સંગઠને પોતાના હથિયાર હેઠા મુકવાનો નિર્ણય કર્યો છે. જેને કેન્દ્ર ઐતિહાસિક ક્ષણ માને છે.
આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે મૈતેઈ સમુદાય સાથે જોડાયેલા કેટલાક કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે પીપલ્સ લિબરેશન આર્મી, યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ, મણિપુર પીપલ્સ આર્મી પર તેમના ટ્રેક રેકોર્ડને કારણે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ એવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું, જે ગેરકાયદેસર છે, શાંતિની વિરુદ્ધ છે અને હાનિકારક છે.