Manipur Video BJP reaction : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા પરના તેમના પ્રથમ નિવેદનમાં કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢમાં મહિલાઓ સામેના કથિત અપરાધોનો ઉલ્લેખ કર્યા પછી, ભાજપે શનિવારે તે જ તર્જ પર વળતો હુમલો કર્યો.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહાર ઉપરાંત વિપક્ષ શાસિત રાજ્યોમાં મહિલાઓ સામેના ગુનાઓ તરફ ધ્યાન દોર્યું.
પશ્ચિમ બંગાળમાં ભાજપે આરોપ લગાવ્યો છે કે, માલદા જિલ્લામાં બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, આ ઘટના સ્થાનિક છે અને મહિલાઓ ચોર હોવાની શંકાના કારણે પરિણમી છે.
માલદાના એસપી પ્રદીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે, સુઓ મોટુ કેસ નોંધવામાં આવ્યો છે અને છ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઘટનાના કથિત વિડિયો ક્લિપમાં મહિલાઓનું એક ગ્રુપ અન્ય બે મહિલાઓ પર હુમલો કરી રહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાઓને ચોરીની શંકામાં પકડવામાં આવી હતી અને સ્થાનિક મહિલા દુકાનદારો દ્વારા માર મારવામાં આવ્યો હતો.
દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષી નેતાઓ પર આરોપ લગાવ્યો કે, તેઓ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર થતા હુમલાઓ પર મૌન છે.
ઠાકુરે જણાવ્યું હતું કે, રાજસ્થાન હવે “મહિલાઓ સામેના ગુનાઓમાં નંબર વન રાજ્ય છે.” રાજસ્થાનમાં છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં મહિલાઓ પર જાતીય શોષણ સંબંધિત કુલ 33,000 કેસ છે.”
રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગુડાને મહિલાઓ સામેના ગુનાઓ અંગે રાજ્ય સરકારની ટીકા કર્યાના થોડાક કલાકો બાદ જ પદ પરથી હટાવવાના સંદર્ભમાં ઠાકુરે કહ્યું: “શું મુખ્યમંત્રી (અશોક) ગેહલોત રાજીનામું આપશે જ્યારે તેમના પોતાના મંત્રી કહે છે કે, મુખ્યમંત્રીએ તેમનો અધિકાર ગુમાવ્યો છે, જ્યારે તેમના ગૃહ જિલ્લામાં એક મહિલાની હત્યા કરવામાં આવે છે અને સળગાવવામાં આવે છે, અને જ્યારે એક મહિલા પર બળાત્કાર કરવામાં આવે છે અને તેને 5 કિમી દૂર ફેંકી દેવામાં આવે છે?”
આ પછી ઠાકુરે પશ્ચિમ બંગાળ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું, માલદાની ઘટના સિવાય, “મમતાજી, મને ખબર નથી કે, તમારા હૃદયમાં કોઈ ‘મમતા’ બાકી છે કે નહીં, પરંતુ માનવતા શરમજનક બની ગઈ, જ્યારે હાવડાના પંચાલા વિસ્તારમાં પંચાયત ચૂંટણીના દિવસે 40 થી વધુ ટીએમસીના ગુંડાઓએ એક મહિલાને નગ્ન કરી પરેડ કરાવી હતી.”
ઠાકુરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, બિહારના બેગુસરાઈ જિલ્લામાં એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો.
“મહિલા વિરુદ્ધ ગુનો એ ગુનો છે, પછી તે મણિપુર, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ કે છત્તીસગઢમાં થઈ રહ્યો છે. તેમને અલગ અલગ રીતે જોઈ શકાતા નથી. આ રાજ્યોએ પણ કાર્યવાહી કરવી પડશે. પરંતુ, તેઓ માત્ર રાજનીતિ કરવા માંગે છે. તેમના દ્વારા શાસિત રાજ્યનું રિપોર્ટ કાર્ડ આપવાને બદલે, તેઓ રાજકારણ રમી રહ્યા છે,” તેમણે કહ્યું, “દેશ જોઈ રહ્યો છે”.
ઠાકુરે કહ્યું કે, વિપક્ષના દાવાઓથી વિપરીત, આ ભાજપ નથી જે સંસદમાં ચર્ચાથી દૂર રહે છે. “અમે ન તો અમારી જવાબદારીથી ભાગી રહ્યા છીએ કે ન તો ચર્ચામાં ભાગ લેવાથી. પરંતુ (વિપક્ષે) ઓછામાં ઓછું મહિલાઓ સામેના ગુનાઓ પર રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ. હું વિરોધ પક્ષોને વિનંતી કરું છું કે, તેઓ તેમના રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની લાંબી યાદી સાથે સોમવારે સંસદમાં આવે કારણ કે, આવી તમામ ઘટનાઓ પર ચર્ચા કરવામાં આવશે.”
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન બંનેનો ઉલ્લેખ કર્યો. “તે અત્યંત ચિંતાજનક છે કે, ગઈકાલે, એક મંત્રી રાજસ્થાનમાં મહિલાઓ સામેના ગુનાઓ સામે ઉભા થયા. કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમને અયોગ્ય રીતે બરતરફ કરી દેવામાં આવ્યા. એટલો જ ચોંકાવનારો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા નામના જિલ્લામાંથી આવ્યો છે, જ્યાં બે દલિત મહિલાઓને નિર્દયતાથી મારવામાં આવી રહી છે અને નગ્ન કરવામાં આવી રહી છે. મારી સ્થિતિ એ છે કે, કોંગ્રેસ રાજસ્થાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર અંગે સત્ય સાંભળવા માંગતી જ નથી. કોંગ્રેસ મણિપુર રાજ્યમાં ઉદ્ભવતા પડકારો અંગે સત્યથી દૂર ભાગી રહી છે અને તે ચર્ચા (સંસદમાં) ઈચ્છતી નથી. તેમણે કહ્યું, “કોંગ્રેસ પશ્ચિમ બંગાળ રાજ્યમાં નિર્દોષોની હત્યાઓ સામે મૂક પ્રેક્ષક બની રહી છે કારણ કે તે TMC સાથે સહયોગની ભૂખી છે.”
માલદાની ઘટનાનો કથિત વિડિયો ક્લિપ શેર કરતાં, BJP IT સેલના વડા અને પશ્ચિમ બંગાળ માટે પાર્ટીના સહ-નિરીક્ષક અમિત માલવિયાએ કહ્યું: “પશ્ચિમ બંગાળમાં આતંક ચાલુ છે. બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી, અત્યાચાર ગુજારવામાં આવ્યો અને બેરહેમીથી માર મારવામાં આવ્યો, જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી… મહિલાઓ સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી સમુદાયની હતી. તે એક દુર્ઘટના હતી, જેણે મમતા બેનર્જીનું હૃદય ‘તોડવું’ જોઈતું હતું. પરંતુ, તેમણે કંઈ કરવાનું પસંદ કર્યું નહીં. તેમણે ન તો તોડફોડની નિંદા કરી કે, ન તો પીડા અને વેદના વ્યક્ત કરી કારણ કે, તેનાથી મુખ્યમંત્રી તરીકેની તેમની પોતાની નિષ્ફળતા છતી થઈ હોત.
આ પણ વાંચો – Manipur Violence Explained : મણિપુરમાં શું થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કોણે ભડકાવી હિંસાની આગ?
ચેન્નાઈમાં એક કાર્યક્રમ પછી બોલતા, કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન પ્રધાન અને અરુણાચલ પ્રદેશના સાંસદ કિરેન રિજિજુએ કહ્યું: “સંસદમાં જે પણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, અમે અમારો દૃષ્ટિકોણ રજૂ કરીશું. પરંતુ અત્યારે હું આ બાબતે બહાર કશું કહી શકું તેમ નથી.
મણિપુરનો વીડિયો બે મહિના કરતાં વધુ જૂની ઘટનાનો છે, જેમાં ટોળા દ્વારા બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી અને તેમના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે એફઆઈઆર નોંધવામાં આવી હોવા છતાં, આ અઠવાડિયાની શરૂઆતમાં વીડિયો સામે આવ્યો ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારથી અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
PTI ઇનપુટ્સ સાથે





