Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. રાજ્યના તેંગનોઉપલ જિલ્લામાં હિંસા જોવા મળી છે. સોમવારે બે જૂથો વચ્ચે ફાયરિંગ થયું હતું, આ પછી જિલ્લામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા દળોને ત્યાં ગોળીબાર થઇ હોવાના ઇનપુટ્સ મળ્યાના કલાકો પછી આ ઘટના સામે આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના લેતિથુ ગામ નજીક બે જૂથો વચ્ચે ફાયરિંગ થયું હતું. ઘટનાની જાણ થતાં સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ત્યાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી. રિપોર્ટ મુજબ હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
સુરક્ષા સંસ્થાનના સૂત્રોના જણાવ્યા અનુસાર તેંગનોઉપલ જિલ્લાનું લેઇથુ, જ્યાં મૃતદેહો મળી આવ્યા હતા તે એવો વિસ્તાર છે જ્યાં વર્તમાન વંશીય હિંસા દરમિયાન સંઘર્ષનો ભૂતકાળનો કોઈ રેકોર્ડ નથી. તે સાયબોલથી ઉત્તર-પશ્ચિમની આસપાસ 10 કિમી દૂર સ્થિત છે. જ્યાં તાજેતરમાં IED હુમલા દ્વારા આસામ રાઇફલ્સના પેટ્રોલિંગને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મણિપુરમાં થઇ સૌથી મોટી શાંતિ સમજુતી, UNLFએ હથિયાર હેઠા મુક્યા
3 ડિસેમ્બરના રોજ તેંગનોઉપલ જિલ્લાના કુકી-જે જનજાતિય સમૂહોએ જૂથોએ ભારત સરકાર અને યુએનઇએલએફ વચ્ચે થયેલી શાંતિ સમજૂતીને આવકારી હતી. સાત મહિનાના ગાળા પછી રવિવારે રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યા બાદ આ ઘટના સામે આવી છે. જોકે કેટલાક જિલ્લાઓના સરહદી વિસ્તારોમાં હજી પણ પ્રતિબંધો ચાલુ છે. રાજ્યમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 23 સપ્ટેમ્બરે થોડા સમય માટે હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ નફરતભર્યા ભાષણો અને નફરતભર્યા વીડિયો સંદેશાઓના પ્રસારને અટકાવવામાં મદદ રૂપ થવા માટે 26 સપ્ટેમ્બરે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં 3 મેના રોજ હિંસા થઈ હતી. જે હજુ પણ અટકવાનું નામ લેતી નથી.
રાજ્યની વસ્તીમાં મૈતેઇ સમુદાયની સંખ્યા 53 ટકાથી વધુ છે. તે એક બિન-જનજાતિય સમુદાય છે, જેમાં મોટે ભાગે હિન્દુઓ છે. સાથે જ કુકી અને નગાની વસ્તી લગભગ 40 ટકા છે. રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં મૈતેઇ સમુદાય માત્ર ખીણમાં જ સ્થાયી થઇ શકે છે. મણિપુરનો 90 ટકાથી વધુ વિસ્તાર પહાડી છે. માત્ર 10 ટકા જ ખીણ છે. પહાડો પર નગા અને કુકી સમુદાયોનું પ્રભુત્વ છે, જ્યારે ખીણ પ્રદેશમાં મૈતેઈનું પ્રભુત્વ છે. મણિપુરમાં કાયદો છે. આ અંતર્ગત ઘાટીમાં સ્થાયી થયેલો મૈતેઈ સમુદાય પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈને જમીન ખરીદી શકતો નથી. પરંતુ પહાડી વિસ્તારોમાં સ્થાયી થયેલા કુકી અને નગા સમુદાય પણ ઘાટીમાં સ્થાયી થઈ શકે છે અને જમીન પણ ખરીદી શકે છે. આ સમગ્ર હિંસાનું મૂળ છે.