Manipur Curfew Imposed After 3 Shot Dead : મણિપુરમાં ફરી તણાવજનક સ્થિતિ સર્જાઇ છે. મણિપુરમાં થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં હથિયારધારીઓ દ્વારા ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ મણિપુર સરકારે રાજ્યના ખીણ જિલ્લાઓમાં ફરી કરફ્યુ લાગુ કર્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, “જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તંગ થવાથી અને કોઈપણ અનિશ્ચનિય ઘટનાઓ અને જાન-માલના નુકસાનને રોકવા તેમજ વધુ સાવચેતીના પગલાના ભાગરૂપે 31 ડિસેમ્બરના રોજ કરફ્યૂમાં છૂટછાટનો આદેશ રદ કરવામાં આવ્યો છે અને ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં તાત્કાલિક અસરથી તમામ વિસ્તારોમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવે છે.”
તેવી જ રીતે, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં પણ ફરી કરફયુ લાગુ કરવામાં આવ્યો છે.
મણિપુર રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વિડિયો નિવેદનમાં ખાતરી આપી હતી કે ગુનેગારોને શોધી કાઢવામાં આવશે. “અમે આ ઘટનાને હળવાશથી લેતા નથી. મણિપુર પોલીસ ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. હું લોકોને, ખાસ કરીને લિલોંગના લોકોને અપીલ કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની હિંસાનો હિસ્સો બનવાથી લેવાથી દૂર રહે. હું તમને ખાતરી આપું છું કે અમે ગુનેગારો સામે કાયદા મુજબ કડક પગલાં લઈશું. મહેરબાની કરીને સરકારને સહકાર આપો.”
પીટીઆઈ એ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ગોળીબાર કરનાર બંદૂકધારીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બંદૂકધારીઓ મોઢું ઢાકીને આવ્યા હતા અને સ્થાનિકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગોળીબારની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી.
નોંધનિય છે કે, ગત શનિવારની રાત્રે મણિપુર પોલીસના ત્રણ કમાન્ડરો સરહદી શહેર મોરેહમાં તેમની એક ચોકી પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) હુમલામાં ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હુમલા પાછળ શંકાસ્પદ આતંકવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવે છે.
મણિપુર હિંસમાં 180 લોકોના મોત
તમને જણાવી દઇયે કે, મણિપુરમાં છેલ્લા 8 મહિનાથી ભયંકર હિંસા ચાલી રહીછે. મણિપુરમાં 3 મેના રોજ મેઇતેઈ અને કુકી-ઝોમી સમુદાયો વચ્ચે વંશીય હિંસા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 180થી વધુ લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો | ભારત – પાકિસ્તાને પોતાના પરમાણુ મથકોની યાદીની આપ-લે કરી; જાણો બે દુશ્મન દેશોએ આવું પગલું કેમ ભર્યું
મણિપુરની કુલ જનવસ્તીમાં લગભગ 53 ટકા લોકો મેઇતેઇ સમુદાયના છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તો નાગા અને કુકી આદિવાસી સમુદાયની જનસંખ્યા 40 ટકાથી ઓછા છે અને તેઓ પહાડી વિસ્તારોમાં રહે છે