મણિપુર હિંસા: એન બિરેન સિંહે અમિત શાહ સાથે કરી મુલાકાત, વિપક્ષી દળોએ સીએમને બરતરફ કરવાની કરી હતી માંગ

Manipur Violence : મણિપુરના સીએમ બિરેન સિંહે ગૃહ મંત્રા અમિત શાહને મણિપુરની પરિસ્થિતિ અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતગાર કર્યા

Written by Ashish Goyal
Updated : June 26, 2023 13:48 IST
મણિપુર હિંસા: એન બિરેન સિંહે અમિત શાહ સાથે કરી મુલાકાત, વિપક્ષી દળોએ સીએમને બરતરફ કરવાની કરી હતી માંગ
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી (તસવીર - @NBirenSingh)

Manipur Violence : મણિપુરમાં ચાલી રહેલી હિંસા યથાવત છે. જે અંતર્ગત મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં અમિત શાહની આગેવાની હેઠળની સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ મુખ્યમંત્રીની હકાલપટ્ટી કરવાની પોતાની માગણીનો પુનરોચ્ચાર કર્યાના એક દિવસ બાદ આ મુલાકાત થઇ છે.

એન બિરેન સિંહ આજે સવારે ઇમ્ફાલથી રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. તેઓ અમિત શાહને તેમના નિવાસસ્થાને લગભગ 45 મિનિટ સુધી મળ્યા હતા. બિરેન સિંહે ગૃહ પ્રધાન અમિત શાહને મણિપુરની પરિસ્થિતિ અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતગાર કર્યા. બાદમાં તેઓ ફરી મણિપુર જવા રવાના થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમિત શાહ સાથેની બેઠક બાદ બિરેન સિંહે ટ્વિટ કર્યું કે ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર મણિપુરમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે શક્ય તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે અમિત શાહની દેખરેખ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારે હિંસાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી છે. રાજ્યમાં 13 જૂન પછી હિંસાને કારણે કોઈ મૃત્યુ થયું નથી.

મણિપુર હિંસા પર 18 પાર્ટીઓ સાથે અમિત શાહે સર્વપક્ષીય બેઠક યોજ્યાના એક દિવસ બાદ આ બેઠક થઈ હતી. કેટલાક વિરોધ પક્ષોએ સૂચન કર્યું હતું કે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લેવી જોઈએ. ચાર કલાક સુધી ચાલેલી આ બેઠક દરમિયાન કેટલાક પક્ષોએ મુખ્યમંત્રી એન બિરેનસિંહને તાત્કાલિક બરતરફ કરવા અને ભાજપ શાસિત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી પણ કરી હતી.

આ પણ વાંચો – વોશિંગ્ટન ડીસીથી પટના સુધી, 2024માં બિગ લડાઇની રુપરેખા તૈયાર

સર્વપક્ષીય બેઠકમાં અમિત શાહે કહ્યું કે મણિપુર ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યું છે અને 13 જૂનથી પૂર્વોત્તર રાજ્યમાં હિંસાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. તેમણે બેઠકમાં કહ્યું કે મોદી સરકાર મણિપુરની સમસ્યાના સમાધાન માટે પ્રતિબદ્ધ છે.

અમિત શાહે કહ્યું હતું કે તેમણે મણિપુરમાં પરિસ્થિતિને શાંત કરવામાં અને શાંતિ પુન:સ્થાપિત કરવામાં મદદ માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ મેળવવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, મિઝો નેશનલ ફ્રન્ટ, બીજેડી, એઆઈએડીએમકે, ડીએમકે, આરજેડી, સમાજવાદી પાર્ટી, આપ સહિત અનેક પાર્ટીઓએ ભાગ લીધો હતો.

આ પહેલા ભાજપના 9 ધારાસભ્યોએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું હતું કે એન બિરેન સિંહના નેતૃત્વવાળી સરકાર પરથી રાજ્યની જનતાનો સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો છે. ધારાસભ્યોએ પીએમ મોદીને પાંચ મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની જનતાને સરકાર અને પ્રશાસન પર ભરોસો નથી.

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યા બાદ મણિપુરમાં વંશીય અથડામણો જોવા મળી હતી. જેણે પાછળથી હિંસાનું સ્વરૂપ લીધું હતું. આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હજારો લોકો રાજ્યમાંથી પલાયન કરી ગયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ