કથિત એક્સાઇઝ પોલિસી મામલે EDએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે મનીષ સિસોદિયાને 17 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે.આ દરમિયાન મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશના નામે એક પત્ર લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મનીષ સિસોદિયાએ આ પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખુબ જ ખતરનાક છે.
આ પત્રને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં 60 હજાર શાળાઓને તાળા મારી દેવામાં આવ્યાં છે. આ સાથે પત્રમાં સિસોદિયાએ પીએમ મોદી પર પ્રહાર કરતા લખ્યું છે કે, મોદીજી વિજ્ઞાન કે ન તો શિક્ષણનું મહત્વ સમજે છે. તેથી ભારતના વિકાસ માટે સંપૂર્ણ અભ્યાસ મેળવનાર પીએમ હોવું અત્યંત જરૂરી છે.
વધુમાં મનીષ સિસોદિયાએ પોતાના પત્રમાં પીએમ મોદી પર કટાક્ષ કરતા લખ્યું છે કે, આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. વિશ્વભરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રતિદિન તરક્કી થઇ રહી છે. આજે સમગ્ર દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ અંગે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હું પીએમ મોદીને એવું કહેતા સાંભળું છું કે, ગંદા નાલામાં પાઇપ નાંખીને ગંદી ગેસ પર ચા કે રવાના બનાવી શકાય છે. આ સંભાળીને તો મારું દિલ બેસી ગયું. શું નાલાના ગંદા ગેસમાંથી ચા કે ખાવાનું બનાવી શકાય? નહીં.
આ સાથે પત્રમાં સિસોદિયાએ લખ્યું છે કે, જ્યારે પીએમ કહે છે કે, આસમાનમાં ઉડાન ભરનાર પ્લેનને રડાર નથી પકડી શકતા સમગ્ર દુનિયાના લોકો સામે તે હાસ્યને પાત્ર બને છે. સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમના પર હસે છે. વડાપ્રધાનના આ પ્રકારનું નિવેદન દેશ માટે બેહદ ખત્તરનાક છે. તેનું ઘણું નુકસાન છે. આખી દુનિયા સમક્ષ એ સત્ય પ્રકાશમાં આવી જાય છે કે ભારતના પ્રધાનમંત્રી કેટલું ઓછું ભણેલા છે અને તેમને વિજ્ઞાન અંગે પાયાની જાણકારી પણ નથી. જ્યારે અન્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખ પીએમને આલિંગન કરી મળે છે ત્યારે તેઓ એક-એક ઝપ્પીની ભારે કિંમત તેમજ કેટલા કરારો પર હસ્તાક્ષર મેળવીને અહીંયાથી જાય છે. કારણ કે પ્રધાનમંત્રી તો સમજી નથી શકતા કે તેઓ કેટલું ઓછું ભણેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પીએમ મોદીની ડિગ્રીને લઈને સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ આ મુદ્દાઓને ખૂબ ઉઠાવ્યા હતા. એકવાર તો PM નરેન્દ્ર મોદીની ડિગ્રીના મામલામાં ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દંડ ફટકાર્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકો પીએમની શૈક્ષણિક લાયકાત વિશે જાણી શક્તા નથી. આનાથી દેશ ચોંકી જાય છે. કોઇ વ્યક્તિ શિક્ષિત કે અભણ હોય તે ગુનો નથી. આપણા દેશમાં ગરીબી છે, ઘરની પરિસ્થિતિને કારણે લોકો અભ્યાસ કરી શક્તા નથી.
દિલ્હીની લિકર પોલિસી મામલે મનીષ સિસોદિયીની જમાનત અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે CBI પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 20 એપ્રિલના રોજ થશે. હાલ મનીષ સિસોદિયા તિહાડ જેલમાં છે.