ભાજપા નેતા અને સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીની જેલો દિલ્હી સરકારના અંડરમાં છે એટલે કે અરવિંદ કેજરીવાલ. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્ય જાણે છે. તેમના પોતાના સહયોગી મનીષ સિસોદિયાને જેલની અંદર જીવનો ખતરો કેવી રીતે હોઇ શકે છે? શું મનીષ સિસોદિયા સામે ષડયંત્ર રચી રહ્યા છે અરવિંદ કેજરીવાલ? ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ બુધવારે તિહાડ જેલમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે તેમને અન્ય અપરાધીઓ સાથે રાખવામાં આવી રહ્યા છે. જેલ અધિકારીઓએ આ આરોપને ફગાવી દીધો છે.
સૌરભ ભારદ્વાજે કહ્યું- સિસોદિયાને અપરાધીઓ સાથે રાખવામાં આવ્યા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સિસોદિયાને જેલમાં વિપશ્યના પ્રકોષ્ઠમાં રાખવાથી ઇન્કાર કરી દીધો છે. મનીષ સિસોદિયાને જેલના વિપશ્યના પ્રકોષ્ઠમાં રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જેની કોર્ટે મંજૂરી આપી હતી. આમ છતા તેમને જેલ સંખ્યા એકમાં અપરાધીઓ સાથે રાખવામાં આવ્યા છે. કેન્દ્રએ તેનો જવાબ આપવો જોઈએ.
આ પણ વાંચો – ત્રિપુરા : બીજેપી અને ટિપરા મોથા વચ્ચે ફરી મંત્રણા શરૂ, અમિત શાહે અગરતલામાં પ્રદ્યોત દેબબર્મા સાથે બેઠક કરી
આપ નેતાએ કહ્યું – નફરતથી ભરેલા છે ભાજપ અને કેન્દ્ર
વરિષ્ઠ આપ નેતા સંજય સિંહે બીજેપી અને કેન્દ્ર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરપયોગ કરી રહ્યા છે. સંજય સિંહે કહ્યું કે ભાજપ અને કેન્દ્ર નફરતથી ભરેલા છે અને તે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. દર બીજા દિવસે વિપક્ષી નેતાઓ પર સીબીઆઈ અને ઇડીની રેઇડના સમાચાર આવે છે. ભાજપને શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી, પાણી અને દેશની પ્રગતિની બિલકુલ પણ ચિંતા નથી. સિસોદિયાને જેલમાં ખુંખાર અપરાધીઓ સાથે રાખવામાં આવ્યા છે અને પાર્ટી નેતાઓને તેમની સુરક્ષાની ચિંતા છે. અમને ચિંતા છે કે તેમના જીવને ત્યાં ખતરો છે.
બીજી તરફ જેલ અધિકારીઓના મતે અલગ કોટડી હોવાથી તેમના માટે અવરોધ વગર ધ્યાન લગાવવું કે અન્ય એવી ગતિવિધિઓ કરવી સંભવ છે. એક અધિકારીએ કહ્યું કે તેમની સુરક્ષાની જેલના નિયમો પ્રમાણે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને જેલમાં રાખવાને લઇને કોઇપણ પ્રકારના આરોપ બેબુનિયાદ છે.