Milind Deora Quit Congress : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ લખીને આ વિશે માહિતી આપી હતી. દેવરાએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજે મારી રાજકીય સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્ત થાય છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે, જેથી મારા પરિવારના 55 વર્ષ જૂના પક્ષ સાથેના સંબંધોનો અંત આવ્યો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકર્તાઓનો આભારી છું કે તેમણે વર્ષોથી અવિરત સાથ સહકાર આપ્યો છે. મિલિંદ દેવરા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થઇ ગયા છે.
મિલિંદ દેવરાના રાજીનામા બાદ કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત પહેલા ‘હેડલાઇન મેનેજમેન્ટ’ના હેતુથી આજ માટે મિલિંદના રાજીનામાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેની કોઇ અસર નહીં થાય. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પીટીઆઈને જણાવ્યું હતું કે જો એક મિલિંદ જાય છે, તો લાખો મિલિંદ છે જે કોંગ્રેસના સંગઠન અને વિચારધારામાં વિશ્વાસ રાખે છે.
હેડલાઇન મેનેજમેન્ટ માટે રાજીનામું
જયરામ રમેશે દાવો કર્યો હતો કે તેમણે શુક્રવારે દેવરા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેઓ રાહુલ ગાંધીને મળવા માંગતા હતા કારણ કે તેઓ તેમની પૂર્વ લોકસભા બેઠક (દક્ષિણ મુંબઈ) વિશે ચિંતિત હતા. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે આ રાજીનામાનો નિર્ણય વડાપ્રધાને કર્યો છે, મિલિંદ કઠપૂતળી છે. વડા પ્રધાન હેડલાઇન મેનેજમેન્ટના ગુરુ છે. દરેક જગ્યાએ ભારત જોડો ન્યાય યાત્રાના સમાચાર છે. વડા પ્રધાને હેડલાઇન મેનેજમેન્ટ માટે મિલિંદના રાજીનામાનો નિર્ણય આજે લીધો છે, પરંતુ તેની કોઈ અસર થશે નહીં.
આ પણ વાંચો – નીતિશ કુમારની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી, એકસમયે સીએમની નજીક રહેલા આરસીપી સિંહે કર્યો પ્રહાર
જયરામ રમેશે કહ્યું કે દેવરાએ શુક્રવારે સવારે 8.52 વાગ્યે મને મેસેજ કર્યો અને પછી તે જ દિવસે બપોરે 2.47 વાગ્યે મેં જવાબ આપ્યો અને પૂછ્યું કે શું તમે પાર્ટી છોડવાનું વિચારી રહ્યા છો? પછી 2.48 મિનિટે તેમણે એક સંદેશો મોકલ્યો કે તમારી સાથે વાત થઇ શકશે? મેં તેમને કહ્યું કે હું તમને ફોન કરીશ અને પછી મેં તે જ દિવસે બપોરે 3.40 વાગ્યે તેમની સાથે વાત કરી હતી.
‘ટાઇગર જિંદા હૈ’
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના જીતના દાવાને ફગાવતા કહ્યું હતું કે ‘ટાઇગર ઝિંદા હૈ’ અને વિપક્ષી ગઠબંધન 2004ના ઇતિહાસનું પુનરાવર્તન કરશે જ્યારે ‘ઇન્ડિયા ઉદય’ અભિયાન છતાં ભાજપનો પરાજય થયો હતો. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જયરામ રમેશે કહ્યું કે મજબૂત કોંગ્રેસથી જ મજબૂત વિપક્ષ બની શકે છે અને કોંગ્રેસને મજબૂત કરવા માટે ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એક તરફ યાત્રા કાઢવામાં આવી રહી છે અને બીજી તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી શરૂ થાય તે પહેલા આ યાત્રા પણ પૂર્ણ કરવામાં આવશે.
આ વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ત્રીજી ટર્મ જીતશે તેવા ભાજપના દાવા અંગે પૂછવામાં આવતા રમેશે કહ્યું હતું કે તેઓ તેમને કહેવા માગે છે કે ટાઇગર જિંદા હૈ. 2003માં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અમે હારી ગયા હતા, લોકોએ કોંગ્રેસને નકારી કાઢી હતી પરંતુ 2004માં કોંગ્રેસે સરકાર બનાવી હતી. ઇતિહાસનું પુનરાવર્તન થશે.





