Mizoram Assembly Poll Results : મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરે થવાની હતી. જોકે હવે આ મતગણતરી 4 ડિસેમ્બરે થશે. આ માહિતી ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી છે. મિઝોરમમાં તમામ પક્ષો પહેલેથી જ ઇચ્છતા હતા કે રાજ્યમાં 3 ડિસેમ્બરે મતગણતરી ન થવી જોઈએ. આનું કારણ એ હતું કે મિઝોરમમાં ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારનો દિવસ એક પવિત્ર દિવસ છે, તેથી આ તારીખને આગળ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ જ માંગણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મિઝોરમ ચૂંટણીની મતગણતરી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. મોટી વાત એ છે કે એમએનએફ, ઝેડપીએમ, કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે સહમત થયા હતા અને બધાએ સાથે મળીને ચૂંટણી પંચને અપીલ કરી હતી. આમ જોવા જઈએ તો આ પહેલા પણ ઘણા રાજ્યોમાં આવું થઈ ચૂક્યું છે. ઘણા પ્રસંગે મતદાનના દિવસો પણ આ કારણે બદલાઈ જાય છે.
આમ જોવા જઈએ તો આ વખતે મિઝોરમની ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે અને પરિણામોને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ વખતે પૂર્વ આઈપીએસ અધિકારીની પાર્ટી ઝેડપીએમ રાજ્યમાં સરકાર બનાવી શકે છે. એક્સિસે તેના એક્ઝિટ પોલમાં ઝેડપીએમને 40 માંથી 28 થી 35 બેઠકો આપી છે. આ સાથે જ અનેક વખત સત્તામાં આવી ચૂકેલી એમએનએફ આ વખતે 3થી 7 બેઠકો પર સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે. કમબેક કરવાનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસનો આંકડો બેથી ચાર સીટો પર સમેટાઈ શકે છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમમાં MNFને 38 ટકા વોટ મળ્યા હતા અને તેમણે લાંબા સમય સુધી શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારને પછાડી હતી. 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ઝેડપીએમે 8 બેઠકો જીતી હતી અને તે રાજ્યમાં બીજા ક્રમે હતી. તે સમયથી ઝેડપીએમએ રાજ્યમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.





