MLA Bharatshet Gogawale : મહારાષ્ટ્રમાં છેલ્લા એક વર્ષમાં રાજકારણમાં ઘણો બદલાવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં જ્યારથી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર બની છે ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં જ્યારે અજિત પવાર જૂથ શિંદે સરકારમાં સામેલ થયું છે ત્યારથી શિવસેનાના અનેક ધારાસભ્યોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
શિવસેનાના ધારાસભ્યોને આશા હતી કે જ્યારે પણ કેબિનેટનું વિસ્તરણ થશે ત્યારે તેમને તેમાં સ્થાન મળશે. પરંતુ અજિત જૂથના નવ મંત્રીઓએ શપથ લીધા બાદ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ સાથે જ એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. શિવસેનાના ધારાસભ્ય ભરતશેઠ ગોગાવલેએ દાવો કર્યો હતો કે કેટલાક ધારાસભ્યોએ મંત્રી બનવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો અને સીએમ એકનાથ શિંદેને બ્લેકમેલ કર્યા હતા.
ધારાસભ્યોએ સીએમ શિંદેને ધમકી આપી હતી
ભરતશેઠ ગોગાવલેએ કહ્યું કે હું પણ મંત્રી પદની રેસમાં હતો પણ જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે મુશ્કેલી ઉભી થઇ તો હું પાછળ હટી ગયો હતો. હું નથી ઇચ્છતો કે આપણા મુખ્યમંત્રી કોઈ પણ મુશ્કેલીમાં મુકાય. તેમણે કહ્યું કે એક ધારાસભ્યએ તો ત્યાં સુધી કહ્યું કે જો તે મંત્રી નહીં બને તો તેની પત્ની આત્મહત્યા કરી લેશે. અન્ય એક ધારાસભ્યએ કહ્યું કે જો હું મંત્રી નહીં બનું તો નારાયણ રાણે મારી રાજનીતિ ખતમ કરી દેશે.
આ પણ વાંચો – દિલ્હી પહોંચેલા નીતિશ કુમારની ના કોઇ સાથે વાત ના મુલાકાત, શું ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડી?
એક સનસનીખેજ દાવામાં શિવસેનાના ધારાસભ્ય ગોગાવલેએ જણાવ્યું હતું કે એક ધારાસભ્યએ તો સીએમ એકનાથ શિંદેને બ્લેકમેલ કરતા ધમકી આપી હતી કે જો તેમને મંત્રી બનાવવામાં નહીં આવે તો તે શપથ ગ્રહણ સમારોહ પૂરો થતાં રાજીનામું આપી દેશે.
શિવસેનાના ધારાસભ્ય ગોગાવલેએ વધુમાં જણાવ્યું હતું કે એક ધારાસભ્યને ત્યારે મંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે તેઓ તેમની પત્નીનો જીવ બચાવવા માંગતા હતા. જ્યારે બીજાને નારાયણ રાણેના ગઢમાં પોતાની જગ્યા જાળવી રાખવાની હતી, પરંતુ તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે મને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે અને હું મારા વારાની રાહ જોઈ રહ્યો છું.





