Monsoon Session : દેશમાં ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થવા જઇ રહ્યું છે. આ સત્રમાં સૌથી વધુ ચર્ચા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે એવી અટકળો હતી કે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર ડ્રાફ્ટ રજૂ કરી શકે છે. પરંતુ સર્વપક્ષીય બેઠકમાં સરકારે જે યાદી રજુ કરી શકી છે તેમાં યુસીસીનો કોઇ ઉલ્લેખ નથી. માનવામાં આવી રહ્યું છે કે આ ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને કોઇ પ્રસ્તાવ આવવાનો નથી.
યુસીસી આવવામાં વિલંબ શા માટે?
અહીં એ સમજવું જરૂરી છે કે થોડા દિવસ પહેલાં લૉ કમિશને લોકો પાસેથી સૂચનો માગતી ડેડલાઇન લંબાવી હતી. એવા સંકેતો મળ્યા હતા કે આ મોનસૂન સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવવું મુશ્કેલ બની શકે છે. હવે સર્વપક્ષીય બેઠકોની યાદીએ આ સ્થિતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. આ સત્રમાં ઘણા મહત્વના મુદ્દા ઉઠાવવામાં આવશે.
કયા-કયા બિલ રજૂ કરવામાં આવશે?
જે દિલ્હી અધ્યાદેશ પર હંગામોની સ્થિતિ જોવા મળી રહી છે તેની સાથે જોડાયેલ બિલ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સત્રમાં નેશનલ કેપિટલ ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) બિલ રજૂ કરવામાં આવશે. આ સિવાય પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સ બિલ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને બેંક બિલ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, પોસ્ટલ સર્વિસ બિલ, જન વિશ્વાસ બિલ, ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસિસ અને કોસ્મેટિક્સ બિલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – એનડીએની 38 પાર્ટીઓમાંથી 25 પાર્ટીઓ પાસે એક પણ સાંસદ નથી, 7 પાર્ટીઓ પાસે ફક્ત 1 સાંસદ છે, શું છે ભાજપનો પ્લાન?
મણિપુર હિંસા પર ચર્ચાની માંગ
આ સત્રમાં વિપક્ષ ઈચ્છે છે કે સરકાર મણિપુર હિંસા ઉપર પણ ચર્ચા કરાવે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે સરકાર ચર્ચા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો સ્પીકર પરવાનગી આપશે તો તેના પર વાત કરાશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બે મહિના પછી પણ મણિપુરમાં હિંસા યથાવત્ છે. રોજ કોઇના કોઇ હિંસક ઘટના સામે આવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા રાજ્યની મુલાકાત લીધી હતી. વિપક્ષ માટે એક મોટો મુદ્દો છે જેના પર તે સરકારને ઘેરવા માંગે છે.





