26/11 Mumbai Terror Attacks: મુંબઈ પોલીસે 2008ના આતંકવાદી હુમલા પછી શહેરના દરિયાકિનારાની આસપાસ કડક દેખરેખ રાખવા માટે 46 સ્પીડબોટ ખરીદી હતી. આ પીળી અને વાદળી રંગની આ એન્ફિશિયસ બોટ – જે જમીન અને સમુદ્ર બંને પર નેવિગેટ કરવા સક્ષમ છે, તે શહેરના પૂર્વમાં મઝગાંવના લકડી બંદર ખાતે મુંબઈ પોલીસ પ્રક્ષેપણ વિભાગના પેવર-બ્લોક બેકયાર્ડમાં મુકાઈ છે. આ ઓફિસની એકદમ સામે લગભગ એક ડઝન જેટલી સ્પીડબોટ ધૂળ ખાઇ રહી છે. અહીંયા અત્યાધુનિક સ્પીડ બોટને તાડપત્રીથી ઢાંકીને મૂકવામાં આવી છે. આ બોટ 46 બોટના કાફલાનો ભાગ છે જે મુંબઈ પોલીસે 2008માં મહારાષ્ટ્રમાં થયેલા આતંકી હુમલા પછી ખરીદી હતી.
આ સ્પીડ બોટ ખરીદવાનો હેતુ શહેરના 114 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર બાજ નજર રાખવાનો હતો. ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે આ મોંઘીદાટ અત્યાધુનિક સ્પીડબોટમાં 38 બોટ તો 15 વર્ષથી ઓછા સમયમાં નકામી કે બિનઉપયોગી બની ગયા છે. 26 નવેમ્બર 2008ના રોજ, પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ કરાચીથી અરબી સમુદ્ર પાર કરીને પોરબંદરથી એક ફિશિંગ ટ્રોલરને હાઈજેક કરીને મુંબઈના દરિયા કિનારે પહોંચ્યા હતા.
મુંબઇના 26/11ના આતંકવાદી હુમલામાં 160 લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા. 26/11ના હુમલા પહેલા મુંબઈ પોલીસ પાસે દરિયામાં પેટ્રોલિંગ કરવા માટે માત્ર ચાર ફાઈબર ગ્લાસ બોટ હતી. મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ ભયંકર હુમલા બાદ હાઇ-સ્પીડ બોટ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો | રાજસ્થાનમાં 199 બેઠકો માટે મતદાન શરૂ, કોંગ્રેસ – ભાજપ વચ્ચે રાજકીય જંગ; રિવાજ બદલાશે કે ઇતિહાસ રચાશે
હકીકતમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સુરક્ષા દળોના જવાબી કાર્યવાહીની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ (HLEC) દ્વારા આ સંશાધનોનો અભાવ અને જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિને મુખ્ય તપાસ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે.