મુંબઇમાં એક અત્યંત કરુણઘટના બની છે. જેમાં મુંબઇમાં ગરબા રમી રહેલા એક 35 વર્ષના યુવકનું મોત થયુ છે. પુત્રના મોતના આધાતમાં હૃદય રોગના હુમલા (heart attack)થી પિતાનું પણ મોત થયું હોવાની દુઃખદ ઘટના ઘટી છે.
સમગ્ર ઘટનાની વાત કરીયે તો મુંબઇના વિરાર વિસ્તારમાં શનિવારે રાત્રે એક 35 વર્ષના જ્વેલરી ડિઝાઇનર મનિષ જૈન ગરબા રમી રહ્યા હતા ત્યારે તેને અચાનક ગભરામણ થતા તે શ્વાસ લેવા માટે એક બાજુ ઉભો રહી ગયો, જો કે ત્યાં તે ઉલટી કરવા લાગ્યો, આ જોઇ યુવકના પિતા તેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઇ ગયા. જો કે હોસ્પિટલના દરવાજે રિક્ષામાંથી બહાર નીકળ્યા ત્યાં જ યુવક ઢળી પડ્યો. પુત્રને નીચે ઢળી પડેલો જોઇ પિતાને પણ હાર્ટ એટેક (heart attack) આવ્યો અને તે પણ ત્યાં જ નીચે ઢળી પડ્યા.
પિતા-પુત્ર બંનેને નીચે પડેલા જોઇ હોસ્પિટલનો સ્ટાફ તેમને દવાખાનની અંદર લઇ ગયા પરંતુ બહુ વાર થઇ ગઇ હતી. આ ઘટનાની પોલિસને જાણ કરાઇ અને ઘટના સ્થળે પોલિસ ટીમને મોકલાઇ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પિતા અને પુત્રની મોત હાર્ટ એટેકથી થઇ છે. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે બંનેમાંથી કોઇને પણ હૃદય સંબંધિત બિમારી ન હતી.
પોલિસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતક મનિષ જૈન જ્વેલરી ડિઝાઇનર હતા અને તેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે પિતા રિટાયર પર્સન હતા.





