મુંબઈ ટ્રેન બ્લાસ્ટ 2006 કેસ ચૂકાદો : સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા 12 આરોપીઓની સજાને રદ કરવાના 21 જુલાઈના બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. સીજેઆઇ બીઆર ગવઇ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એન.વી અંજારિયાની બેન્ચે મહારાષ્ટ્ર સરકારની અરજી પર સુનાવણી કરતાં આ સ્ટે આપ્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સામે રજૂ કર્યું કે, તે ચૂકાદાથી મુક્ત થયેલા આરોપીઓને સરેન્ડર કરવા અંગે કોઇ નિર્દેશનો આગ્રહ નથી કરી રહ્યા. પરંતુ તેમણે આ ચૂકાદા સામે સ્ટે આપવાની માંગ કરતાં કહ્યું કે, હાઇકોર્ટ દ્વારા આપવામાં આ ચૂકાદામાં કરાયેલી ટિપ્પણીઓ મકોકા અંતર્ગત અન્ય કેસમાં પણ પ્રભાવ પાડી શકે છે.
સીજેઆઇ બીઆર ગવઇ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, અમને સૂચિત કરાયું છે કે, તમામ પ્રતિવાદિઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને જેલમાં લાવવાનો કોઇ સવાલ નથી.
જોકે કાયદા સામે સવાલ અંગે એસજી દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં રાખતાં અમે એ માનવા માટે ઇચ્છુક છીએ કે આ વિવાદીત ચૂકાદાને મિસાલ તરીકે માનવામાં નહીં આવે અને એટલે આ વિવાદીત ચૂકાદા સામે સ્ટે આપવામાં આવે છે.
બોમ્બે હાઇકોર્ટે આરોપીઓને નિર્દોષ છોડ્યા
બોમ્બે હાઈકોર્ટે ગત સોમવારે આપેલા ચૂકાદામાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ્સ એક્ટ (MCOCA) હેઠળ નિયુક્ત ખાસ અદાલતના સપ્ટેમ્બર 2015ના ચુકાદાને ઉલટાવી દીધો, જેમાં પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજા અને સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ન્યાયાધીશ અનિલ એસ કિલોર અને શ્યામ સી ચાંડકની ખાસ બેન્ચે કેટલાક ફરિયાદ પક્ષના સાક્ષીઓની વિશ્વસનીયતા અને કેટલાક આરોપીઓની ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ (TIP) પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં 189 લોકોના મોત
11 જુલાઈ, 2006ના રોજ, વેસ્ટર્ન સબર્બન રેલ્વે અથવા મુંબઈ લોકલ ટ્રેનોના સાત કોચમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 189 લોકો માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા.





