નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી (Nagaland Vidhansabha Chunav) ના પ્રચારની અંતિમ તારીખ શનિવારે પૂરી થઈ ગઈ. રાજ્યના ચૂંટણી જંગમાં પોતાનું નસીબ અજમાવી રહેલા ઉમેદવારોએ જાહેર સભાઓ, રોડ-શો અને ઘરે-ઘરે જઈને મતદારોને રીઝવવાનો છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો હતો.
રાજ્યમાં 13 લાખથી વધુ મતદારો છે અને 60 સભ્યોની વિધાનસભાની 59 બેઠકો માટે ચાર મહિલાઓ અને 19 અપક્ષ સહિત 183 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિન્મી ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો બેઠક પરથી બિનહરીફ જીતી ગયા છે.
રાજ્યમાં 27 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 2 માર્ચે થશે. સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી (NDPP) અને ભાજપ બેઠકોની વહેંચણીના અનુક્રમે 40 અને 20 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
એનડીપીપીએ આ પૂર્વોત્તર રાજ્યમાં 2018માં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તેમને જનતા દળ યુનાઈટેડ અને એક અપક્ષ ઉમેદવારનું પણ સમર્થન પણ મળ્યું હતું. વર્ષ 2021 માં, નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) પણ NDPP-ની આગેવાની હેઠળના શાસક ગઠબંધનમાં જોડાઈ ગઈ અને તેને ‘યુનાઈટેડ ડેમોક્રેટિક એલાયન્સ’ નામ રાખવામાં આવ્યું.
આ પણ વાંચો – AAP ગુજરાતની સ્ક્રિપ્ટ પ્રમાણે જ અન્ય રાજ્યોની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે, જુઓ કેવી છે તૈયારી
એનડીપીપી-ભાજપ ગઠબંધન આ ચૂંટણીમાં બીજી ટર્મ માટે લડી રહ્યા છે. એનડીપીપીના નેફિયુ રિયો આ ગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ચહેરા છે. ભાજપ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો સર્બાનંદ સોનોવાલ, કિરેન રિજિજુ, જોન બાર્લા, આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્મા અને અન્ય નેતાઓએ પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કર્યો હતો.