નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે શુક્રવારે રાત્રે નાસિકમાં એક બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે. જોકે, બીજી તરફ નાસિક પોલીસદ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે બસમાં ભીષણ આગ લાગી હતી. અને આ દુર્ઘટનામાં શરુઆતના તબક્કે આશરે આઠ લોકોના મોત થયાની આશંકા હતી. જોકે, ધીમે ધીમે મોતનો આંકડો વધીને 11એ પહોંચ્યો છે. મૃતકોમાં 1 બાળક અને 10 પુષ્ત વયના લોકો સહિત કુલ 11 લોકોના મોત નીપજ્યા છે.
મૃતકોની લાશો અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોની સારવાર ચાલું છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. બસ અને કન્ટેનર સાથે ટક્કર થતા આ કસ્માત સર્જાયો હતો.
નાસિક-ઔરંગાબાદ હાઇવે પર થયો અકસ્માત
નાસિક-ઔરંગાબાદ હાઇવે પર આ દર્દનાક અકસ્માત થયો હતો. બસ ઔરંગાબાદથી નાસિક જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. હાલ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આશંકા છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી શકે છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી.