Ayodhya Ram Mandir : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ અયોધ્યામાં ભગવાન રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ભાજપ, સંઘ પરિવાર સહિત હિન્દુ સંગઠનોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભગવાન રામનું મંદિર ખુલવાની તૈયારીમાં છે. હું તે લોકોનો આભાર માનું છું જેમણે મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો. સાથે-સાથે જ હું તેમને એ પણ કહું છું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના રામ નથી. તે આખા વિશ્વના રામ છે, તે તેમના પુસ્તકોમાં લખાયેલું છે. તેમણે ભાઈચારો, પ્રેમ અને એકબીજાને મદદ કરવાની વાત કરી છે.
પૂંછ જિલ્લામાં ત્રણ નાગરિકોની હત્યા માટે સેનાને દોષી ઠેરવી
આ પહેલા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ શુક્રવારે પૂંછ જિલ્લામાં ત્રણ નાગરિકોની હત્યા માટે સેનાને જવાબદાર ઠેરવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમના પરિવારોને ન્યાય મળશે. તેમણે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ વાતની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં આપણી સેના નિર્દોષ લોકોની હત્યા કરી રહી છે. આપણા રક્ષામંત્રી રાજનાથ સિંહ અહીં આવ્યા હતા. તેમણે કહ્યું છે કે તેઓ યોગ્ય તપાસ સુનિશ્ચિત કરશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમને આશા છે કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરીથી નહીં થાય.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં કહ્યું – 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવો
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું – અયોધ્યા ચૂંટણી મુદ્દો બન્યો
તો બીજી તરફ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર નિર્માણની મંજૂરી આપ્યા બાદ ધીરે ધીરે તે રાજકીય સ્ટંટ અને ચૂંટણીનો મુદ્દો બની ગયો. મારું માનવું છે કે તેઓ ચાલાકીથી ભગવાન રામને ધર્મના વર્તુળમાંથી રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ ન મળવા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે હવે એક જ વાત બાકી રહી છે કે ભાજપ જાહેર કરશે કે ચૂંટણીમાં ભગવાન રામ તેમના ઉમેદવાર હશે. ભગવાન રામના નામે આટલી રાજનીતિ થઈ રહી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપે આ સમગ્ર કાર્યક્રમને એક ખાનગી કાર્યક્રમ બનાવ્યો છે. આનાથી સાબિત થાય છે કે આ કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી પરંતુ ભાજપનો વ્યક્તિગત કાર્યક્રમ છે.