National Herald : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)મંગળવારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) ની કરોડો રૂપિયાની સંપત્તિને કામચલાઉ રીતે ટાંચમાં લેવાનો આદેશ જારી કર્યો છે. મની લોન્ડ્રિંગ કેસમાં ઇડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અનેક સ્થળોએ એજીએલની સંપત્તિઓ સામેલ છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. ઇડીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.
ઈડીની આ કાર્યવાહી પર કોંગ્રેસ નેતાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. અભિષેક મનુ સિંઘવીએ એક્સ પર લખ્યું કે ઇડી દ્વારા એજેએલની સંપત્તિઓ ટાંચમાં લેવાના સમાચાર દરેક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં ચોક્કસ પરાજયથી ધ્યાન ભટકાવવાની તેમની હતાશા દર્શાવે છે. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન ધ્યાન ભટકાવવા માટે ભાજપ દ્વારા આ કપટ, જુઠ્ઠાણા અને જુઠ્ઠાણાનું એક પૂર્વનિર્ધારિત માળખું છે. ભાજપનો કોઈ પણ ગઠબંધન ભાગીદાર – સીબીઆઈ, ઈડી કે આઈટી – ભાજપની નિશ્ચિત હારને અટકાવી શકે તેમ નથી.
આ પણ વાંચો – રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, આપણા યુવકો વર્લ્ડ કપ જીત ગયા હોત પણ પનોતીએ હરાવી દીધા
આ મામલામાં ED પહેલાથી જ કોંગ્રેસનાં સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી ચૂકી છે અને નિવેદન નોંધી ચૂકી છે.
આ કેસ 2013 માં દિલ્હીની કોર્ટમાં ભાજપના સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી ખાનગી ફરિયાદ પર આધારિત છે. ફરિયાદમાં અખબાર હસ્તગત કરવામાં છેતરપિંડી અને ભંડોળના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સોનિયા અને રાહુલને ડિસેમ્બર 2015માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં જામીન આપ્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદમાં સોનિયા, રાહુલ અને અન્ય પર એજેએલ દ્વારા કોંગ્રેસને દેવાના 90.25 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો અધિકાર મેળવવા માટે યંગ ઈન્ડિયન માટે કથિત રીતે રૂ. 50 લાખ ચૂકવીને ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.





