(વિવેક અવસ્થી) સામાન્ય રીતે લોકોમાં માઓવાદ અને નક્સલવાદ અંગે મોટી ગેરસમજ પ્રવર્તે છે અને બંને વચ્ચેના તફાવતને બરાબર સમજી શકતા નથી. નક્સલી હુમલાઓ અંગે રોજબરોજ કોઇને કોઇને સમાચાર આવતા રહે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી નક્સલી હુમલાઓમાં હજારો લોકોના મોત થયા છે. જો સરકારનું માનીયે તો નક્સલવાદી હુમલાની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે અને નક્સલ પ્રભાવિત વિસ્તારો ઘટી રહ્યા છે. વર્ષ 1967માં શરૂ થયેલી આ સમસ્યાનો સરકાર અત્યાર સુધી જડમૂળથી સંપૂર્ણપણે સફાયો કરવામાં સફળ થઇ શકી નથી.
દાર્જલિંગના એક ગામથી થઇ નક્સલવાદની શરૂઆત
નક્સલવાદના ઇતિહાસની વાત કરીયે તો નક્સલવાદી વિચારધારા એક ‘આંદોલન’ સાથે જોડાયેલી છે. 1960ના દાયકામાં કોમ્યુનિસ્ટો એટલે કે સામ્યાવાદી વિચારણીના સમર્થકોએ આંદોલનની શરૂઆત કરી હતી. હકીકતમાં, આ આંદોલનની શરૂઆત પશ્ચિમ બંગાળના દાર્જલિંગ જિલ્લાના એક ગામ ‘નક્સલવાડી’થી શરૂઆત થઇ હતી, આથી તે ‘નક્સલવાદી આંદોલન’ તરીકે પ્રખ્યાત થઇ ગયું. આ આંદોલનમાં સામેલ થનાર વ્યક્તિને નક્સલવાદી કે નક્સલી પણ કહેવામાં આવે છે. ઉપરાંત આ આંદોલનમાં સામેલ થનાર લોકોને ક્યારેક ક્યારેક માઓવાદી પણ કહેવાય છે.
નક્સલવાદી અને માઓવાદી બંનેની વિચારધારા ‘હિંસા’ પર આધારિત
નક્સલવાદી અને માઓવાદી બંને સંગઠનનો વિચારધાર ‘હિંસા’ પર આધારિત છે. પરંતુ બંને સંગઠનો વચ્ચે માત્ર એટલો જ ફરક છે કે નક્સલવાદ બંગાળના નક્સલવાડીમાં વિકાસના અભાવ અને ગરીબીનું પરિણામ છે, જ્યારે ચીનના નેતા માઓત્સે તુંગની રાજકીય વિચારધારાથી પ્રભાવિત આંદોલનને ‘માઓવાદ’નું નામ આપવામાં આવ્યું છે. બંને આંદોલનના સમર્થકો ભુખમરા, ગરીબી અને બેરોજારીમાંથી મુક્તિની માંગણી કરી રહ્યા છે.

આઝાદી બાદ જમીન સુધારણાની પહેલ શરૂ થઇ હતી પરંતુ તે સંપૂર્ણપણે સફળ થઇ ન હતી. નક્સલવાડીના ખેડૂતો પર જમીનદારોનો અત્યાચાર વધતો ગયો અને તેને ધ્યાનમાં રાખતા ખેડૂતો અને જમીનદારો વચ્ચે જમીન વિવાદ સર્જાયો. વર્ષ 1967માં કોમ્યુનિસ્ટોએ સત્તાની વિરુદ્ધ એક સશસ્ત્ર આંદોલનની શરૂઆત કરી અને હજી સુધી ચાલી રહ્યું છે.
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ચારુ મજૂમદારે આંદોલનની શરૂઆત કરી
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ચારુ મજૂમદારે કાનૂ સાન્યાલ અને જંગલ સંથાલની સાથે મળીને સત્તાની વિરુદ્ધ એક ખેડૂત આંદોલન શરૂ કર્યુ હતું. 60ના દાયકાના અંતિમ અને 70ના દાયકાની શરૂઆતના તબક્કામાં નક્સલવાડી આંદોલન શહેરના યુવાનો અને ગ્રામીણ લોકોના દિલમાં વિદ્રોહનો બીજ રોપ્યા હતા. જોત જોતામાં આ આંદોલન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જંગલની આગ જેમ ફેલાઇ ગયો અને ધીમે ધીમે તે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી ફેલાઇ ગયો. આઝાદ ભારતમાં પહેલીવાર કઇ આંદોલને ગરીબ અને જમીન વિહિન ખેડૂતોની માંગને સમર્થન આપ્યો હતો, જેણે તત્કાલિન ભારતના રાજકારણનું ચિત્ર બદલી નાંખ્યું.
વર્ષ 2017માં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટી
નક્સલવાદી હિંસાની ઘટનાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટી છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા વર્ષ 2008માં 223 હતી, પરંતુ ત્યારબાદ નક્સલવાદી હિંસાની ઘટનાઓ ઘટતી ગઇ અને વર્ષ 2014માં તેની સંખ્યા ઘટીને 161 અને વર્ષ 2017માં 126 થઇ હતી. છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા અને બિહારમાં સૌથી વધારે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારો છે. (અનુવાદ – અજય સરોયા)