દિપ્તીમાન તિવારી : બુધવારે (26 એપ્રિલ) છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (છત્તીસગઢ પોલીસ) ના દસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે, ડીઆરજી વાહન ચલાવનાર ડ્રાઇવર (સિવિલીયન) નું પણ મૃત્યુ થયું હતું. માઓવાદીઓ દ્વારા આટલો મોટો હુમલો બે વર્ષ બાદ થયો છે. છેલ્લે એપ્રિલ 2021માં કર્યો હતો, જેમાં સુરક્ષા દળના 22 જવાનો શહીદ થયા હતા.
માઓવાદીઓએ હવે આ હુમલો શા માટે કર્યો છે?
હુમલાનો સમય માઓવાદીઓની લશ્કરી ગતિવિધિઓને અનુરૂપ છે. તેઓ વ્યૂહરચના તરીકે ઉનાળામાં જ ઘાત લગાવીને હુમલો કરે છે. ભાકપા (માઓવાદી) દર વર્ષે ફેબ્રુઆરી અને જૂન વચ્ચે ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સીવ કેમ્પેઈન (ટીસીઓસી) ચલાવે છે. આ સમયગાળામાં, માઓવાદીઓની લશ્કરી પાંખ સુરક્ષા દળોને જાનહાનિ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સમયગાળાને એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે, જુલાઈમાં ચોમાસાની શરૂઆત સાથે જંગલોમાં આક્રમક કામગીરી હાથ ધરવી મુશ્કેલ બની જાય છે. એક સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર સમજાવે છે કે, “નાળા-ગટરો ભરાઈ ગઈ હોય છે, જેને ઓળંગવી મુશ્કેલ બની જાય છે. દરેક જગ્યાએ ઉંચા ઘાસ અને ઝાડીઓ બની જાય છે, જેનાથી વિઝિબિલીટી ઘટી જાય છે. ચોમાસાની શરૂઆત સાથે જ, માઓવાદીઓ અને સુરક્ષા દળો બંને તેમના કેમ્પમાં પાછા ફરી જાય છે.
માઓવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર લગભગ તમામ મોટા હુમલા TCOC સમયગાળા દરમિયાન જ થયા છે. 2010નો ચિંતલનાર હુમલો પણ આ સમયગાળા દરમિયાન જ થયો હતો, જેમાં 76 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.
દેશમાં ડાબેરી (વામપંથી) ઉગ્રવાદની વર્તમાન સ્થિતિ શું છે?
સરકારના જણાવ્યા અનુસાર, 2010 થી દેશમાં માઓવાદી હિંસામાં 77% ઘટાડો થયો છે. વર્ષ 2010માં માઓવાદી હિંસા તેની ટોચ પર હતી. ત્યારે સુરક્ષા દળના 1005 લોકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. હવે તેમાં 90 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં માઓવાદી હિંસામાં જીવ ગુમાવનારા લોકો (સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકો)ની સંખ્યા વધીને 98 થઈ ગઈ હતી.
સરકારે 2000 ના દાયકાની શરૂઆતમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 200 થી ઘટાડીને હવે માત્ર 90 કરી છે. સરકારે દાવો કર્યો છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં હિંસા ઘટી છે. હવે માત્ર 45 જિલ્લા જ નક્સલી હિંસાથી પ્રભાવિત છે. એક સમયે તેમના ગઢ ગણાતા આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં નક્સલવાદીઓ હવે નહિવત છે.
ગયા વર્ષે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ઝારખંડમાં માઓવાદીઓનો છેલ્લો ગઢ ગણાતા બુઢા પહાડને વિદ્રોહીઓથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ છત્તીસગઢ અને ઝારખંડ વચ્ચેનો 55 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર છે. શાહે 2024 સુધીમાં દેશને માઓવાદી ખતરાથી મુક્ત કરવાનું વચન આપ્યું છે.
અને છત્તીસગઢમાં શું સ્થિતિ છે?
દેશનું આ એકમાત્ર રાજ્ય છે જ્યાં માઓવાદીઓ હજુ પણ મોટા હુમલાઓ કરવાની ક્ષમતા જાળવી રાખે છે. સંસદને આપવામાં આવેલા સરકારી ડેટા અનુસાર, પાછલા પાંચ વર્ષોમાં (2018-22)માં, ડાબેરી (વામપંથી) ઉગ્રવાદીઓએ હિંસાની 1,132 ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેમાં 168 સુરક્ષા દળોના જવાનો અને 335 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, આ તમામ ઘટનાઓમાં, એક તૃતીયાંશ ઘટનાઓ છત્તીસગઢમાં જ બની હતી.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હિંસાનો ગ્રાફ ઉપર અને નીચે રહ્યો છે. 2018માં માઓવાદીઓએ 275 હુમલા કર્યા, 2019માં આ સંખ્યા ઘટીને 182 થઈ હતી, પરંતુ 2020માં વધીને 241 થઈ ગઈ હતી. પછી તે 2021માં ઘટી 188 થઈ, પરંતુ 2022માં ફરી વધી 246 થઈ, ફેબ્રુઆરીના અંત સુધીમાં આ રાજ્યમાં નક્સલીઓના 37 હુમલામાં સાત સુરક્ષાકર્મી સહિત 17 લોકોની હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચો – છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં 11 જવાન શહીદ
2018-22 ની વચ્ચે, સુરક્ષા દળના જવાનોના મૃત્યુની સંખ્યા પણ વધઘટ થતી રહી. 2018માં 55 જવાન શહીદ થયા, 2019 માં 22; 2020 માં 36; 2021 માં 45; અને 2022 માં માત્ર 10. આ જ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોએ 400 થી વધુ ઓપરેશન હાથ ધર્યા હતા અને 328 માઓવાદી કાર્યકરોને મારી નાખ્યા હતા.
ડિક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો